નવી દિલ્હી: કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓ અને પેન્શનધારકોના મોંઘવારી ભથ્થુ વધારવા પર રોક લગાવી દીધી છે. આ મામલે કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે મોદી સરકારનો આ નિર્ણય અસંવેદનશીલ અને અમાનવીય છે.

રાહુલ ગાંધાએ ટ્વીટ કરીને લખ્યું કે, “લાખો કરોડના બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અને કેન્દ્રીય વિસ્ટા બ્યુટીફિકેશન પ્રોજેક્ટને રદ કરવાની જગ્યાએ કોરોના સામે લડી રહેલી જનતાની સેવા કરી રહેલા કેન્દ્રીય કર્મચારીઓ, પેન્શન ધારકો અને દેશના જવાનોને મોંઘવારી ભથ્થુ (DA)કાપવું સરકારનો અસંવેદનશીલ તથા અમાનવીય નિર્ણય છે. ”



કોરોના વાયરસના કારણે પેદા થયેલા આર્થિક સંકટના કારણે સરકારે કેન્દ્ર સરકારના કર્મચારીઓને મળનાર મોંઘવારી ભથ્થામાં વધારો કરવા પર રોક લગાવી દીધી છે. આ રોક એક જૂલાઇ 2021 સુધી ચાલુ રહેશે. સરકારનો આ નિર્ણય કેન્દ્ર સરકારના તમામ કર્મચારીઓ અને પેન્શનધારકો પર લાગુ થશે.

આ મામલે કોગ્રેસે પ્રવક્તા સુરજેવાલાએ પણ મોદી સરકાર પર નિશાન તાકતા કહ્યું કે, સરકારને આ સમયે સેન્ટ્રલ વિઝ્ટા પ્રોજેક્ટ, બુલેટ ટ્રેન પ્રોજેક્ટને રોકી દેવા જોઇએ. જેના પર લાખો કરોડ રૂપિયા ખર્ચ થઇ રહ્યા છે. જેનો ઉપયોગ કોરોના સામેની લડાઇમાં થવો જોઇએ. કોગ્રેસે માંગ કરી હતી કે કેન્દ્રિય કર્મચારીઓ, પેન્શનધારકો પર જે અસર પડી રહી છે તે ખોટી છે. સરકારે કાપ મુકવાનો નિર્ણય પાછો ખેંચવો જોઇએ. આ કાપથી સેનાઓ, 15 લાખ સૈનિકો અને લગભગ 26 લાખ મિલિટ્રી પેન્શનરોના 11 હજાર રૂપિયા કાપી લેવામાં આવ્યા છે. કોગ્રેસ નેતાએ કહ્યું કે, મોદી સરકાર ખોટા ખર્ચા અને બિન જરૂરી ખર્ચા પર કાપ મુકવાના બદલે સૈનિકો, સરકારી કર્મચારીઓ, પેન્શનરો અને મધ્યમ વર્ગની આવક પર કાપ મુકી રહી છે.