Bharat Jodo Yatra: કોંગ્રેસની ભારત જોડો યાત્રા 9 દિવસના વિરામ બાદ ફરી એકવાર શરૂ થઈ છે. યાત્રા શરૂ થતાની સાથે જ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ફરી એકવાર વિવાદમાં સપડાયા છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વર્તમાન સાંસદ રાહુલ ગાંધીની આગેવાની હેઠળની 'ભારત જોડો યાત્રા' દરમિયાન તાજેતરમાં કડકડતી ઠંડીમાં એક બાળક ધોતી પહેરેલો જોવા મળ્યો હતો. આટલી ઠંડીમાં પણ તેણે શર્ટ પણ પહેર્યો નહોતો. જેને લઈને ભાજપે રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા છે.
બીજેપી નેતા તજિન્દર પાલ સિંહ બગ્ગાએ ફરી એકવાર રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે. બગ્ગાએ રાહુલ ગાંધી ઠંડીમાં શર્ટલેસ બાળક સાથે ફરવા પર નારાજગી વ્યક્ત કરી છે. બગ્ગાએ એક ફોટો શેર કર્યો છે. તસવીરમાં જોઈ શકાય છે કે બાળકે માત્ર ધોતી અને જનોઈ પહેરી છે. આ બાળકને ક્રાંતિકારી ચંદ્રશેખર આઝાદના અવતારમાં દર્શાવવામાં આવ્યો છે.
બગ્ગાએ રાહુલને બેશરમ કહ્યાં
બગ્ગાએ બાળક સાથેનો રાહુલ ગાંધીનો ફોટો ટ્વીટ કર્યો અને લખ્યું હતું કે- "4 ડિગ્રી તાપમાનમાં, માત્ર એક બેશરમ વ્યક્તિ જ બાળકને રાજકારણ માટે કપડા વગર ફરતા કરી શકે છે." આ ઉપરાંત પણ અનેક લોકો રાહુલ ગાંધીની આ તસવીરની ટીકા કરી રહ્યા છે.
મામલો NCPCR પહોંચ્યો
ચાંદની પ્રીતિ વિજયકુમાર શાહ નામના વકીલે પણ ઠંડીમાં શર્ટ કે ટી-શર્ટ વગર બાળક સાથે ફરવા બદલ રાહુલ ગાંધીની ટીકા કરી છે. તેમણે નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સને પત્ર લખ્યો છે. તેમણે આ પત્ર NCPCR ચીફ પ્રિયંક કાનુન્ગોને લખ્યો છે. પત્રમાં લખવામાં આવ્યું છે કે, રાજકીય લાભ માટે બાળકના અધિકારો અને કલ્યાણનું ઉલ્લંઘન કરવા માટે કોંગ્રેસની ગેરબંધારણીય વર્તણૂકને ધ્યાનમાં લઈને કાર્યવાહી કરવામાં આવે. તેમણે કોંગ્રેસ પર રાજકીય લાભ માટે બાળકોનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો અને હિન્દુ ધર્મમાં ખૂબ જ ધાર્મિક મહત્વ ધરાવતા જનોઈ નામના પવિત્ર દોરાને લઈને મોટી જૂની પાર્ટીની ટીકા પણ કરી હતી.
રાહુલ ગાંધીની ટી-શર્ટ ચર્ચાનો વિષય બની ચુકી છે
ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધી કડકડતી ઠંડીમાં પણ સફેદ ટી-શર્ટ પહેરેલા જોવા મળે છે. જેની ચર્ચા રાજકીય વર્તુળોમાં થઈ રહી છે. રાહુલના કપડાને લઈને નિવેદનો સામે આવી રહ્યા છે. ગાંધીજીએ કહ્યું હતું કે, સૌકોઈ તેમના ડ્રેસને હાઈલાઈટ કરી રહ્યા છે પરંતુ તેમની સાથે ફાટેલા કપડામાં ચાલતા ગરીબ ખેડૂતો અને મજૂરો પર કોઈ જ ધ્યાન નથી આપી રહ્યું.