કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રવિવારે 'ભારત જોડો યાત્રા' દરમિયાન 'મહિલાઓની જાતીય સતામણી' સાથે જોડાયેલા તેમના નિવેદન અંગે દિલ્હી પોલીસની નોટિસનો પ્રારંભિક જવાબ મોકલ્યો હતો. પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષે 45 દિવસના વિલંબ બાદ અચાનક લીધેલા પગલા પર સવાલ ઉઠાવ્યા હતાં. સૂત્રોએ જણાવ્યું હતું કે, પોલીસ છેલ્લા પાંચ દિવસમાં ત્રીજી વખત રાહુલ ગાંધીના નિવાસસ્થાને પહોંચ્યાના કલાકો બાદ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષે પોતાના ચાર પાનાના જવાબમાં 10 મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો હતો.


આ સાથે કોંગ્રેસ નેતાની 30 જાન્યુઆરીની ટિપ્પણી અંગે દિલ્હી પોલીસની નોટિસનો વિગતવાર જવાબ આપવા માટે 8-10 દિવસનો સમય માંગવામાં આવ્યો છે.


પોલીસ રાહુલ ગાંધીના નિવાસસ્થાને પહોંચી હતી


દિલ્હી પોલીસ રવિવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની 'ભારત જોડો યાત્રા' દરમિયાન 'મહિલાઓની જાતીય સતામણી' પરની તેમની ટિપ્પણીને લઈને જારી કરાયેલી નોટિસના સંદર્ભમાં અહીં તેમના નિવાસસ્થાને પહોંચી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે, સ્પેશિયલ પોલીસ કમિશનર (કાયદો અને વ્યવસ્થા) સાગર પ્રીત હુડાની આગેવાની હેઠળની પોલીસ ટીમ સવારે 10 વાગ્યે રાહુલના 12, તુગલક લેન સ્થિત નિવાસસ્થાને પહોંચી હતી અને લગભગ બે કલાક પછી ગાંધીને મળી શકી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે, પોલીસ દળ બપોરે 1 વાગ્યાની આસપાસ પરત ફર્યું હતું.


સોશિયલ મીડિયા પોસ્ટની નોંધ લેવા સૂચના


સોશિયલ મીડિયા પોસ્ટને ધ્યાનમાં લેતા દિલ્હી પોલીસે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને એક પ્રશ્નાવલિ મોકલી છે. રાહુલને 'જાતીય સતામણીની ફરિયાદો સાથે તેમની પાસે પહોંચેલી મહિલાઓ વિશે વિગતો આપવા' કહેવામાં આવ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, રાહુલે 'ભારત જોડો યાત્રા'ના શ્રીનગર લેગ દરમિયાન નિવેદન આપ્યું હતું કે, મેં સાંભળ્યું છે કે હજુ પણ મહિલાઓનું યૌન ઉત્પીડન થઈ રહ્યું છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, પોલીસે કોંગ્રેસના નેતાને આ પીડિતોની વિગતો આપવા કહ્યું હતું જેથી કરીને તેમને સુરક્ષા પૂરી પાડી શકાય.


સૂત્રોએ જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીએ સાંજે 4 વાગ્યાની આસપાસ પ્રાથમિક જવાબ મોકલતા પોલીસની કાર્યવાહીને અભૂતપૂર્વ ગણાવી હતી. રાહુલ ગાંધીએ પૂછ્યું હતું કે, શું આ કાર્યવાહીનો અદાણી મુદ્દે સંસદની અંદર અને બહાર તેમના સ્ટેન્ડ સાથે કોઈ સંબંધ છે? સૂત્રોએ જણાવ્યું કે રાહુલ ગાંધીએ તેમના જવાબમાં શ્રીનગરમાં તેમની ટિપ્પણી કર્યાના છેક 45 દિવસના અંતરાલ બાદ પોલીસની 'અચાનક સક્રિયતા' પર પણ સવાલ ઉઠાવ્યા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, ભૂતપૂર્વ કોંગ્રેસ અધ્યક્ષે એ પણ સવાલ કર્યો છે કે, શું શાસક પક્ષ સહિત અન્ય કોઈ રાજકીય પક્ષની રાજકીય ઝુંબેશને લગતા આવા કેસમાં તપાસ અથવા પૂછપરછ કરવામાં આવી છે.