નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. જેમ જેમ અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે અનલોક અંતર્ગત છૂટછાટ આપવામાં આવી રહી છે તેમ તેમ રોજ નવા નવા કેસ સામે આવી રહ્યા છે. દેશની આર્થિક રાજધાની મુંબઈ જ્યાં કેસની સંખ્યા 1 લાખને પાર કરી ગઈ છે ત્યારે દિલ્હીમાં પણ દરરોજ નવા નવા રેકોર્ડ બની રહ્યા છે. એવામાં વિપક્ષ સરકાર પર પ્રહાર કરી રહી છે.

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ શુક્રવારે કોરોના સંકટને લઈને મોદી સરકાર પર નિશાન સાધ્યું. રાહુલે એક ટ્વીટ કરીને કોરોના ગ્રાફ શેર કરવા સાથે લખ્યું, “ભારત એક ખોટી રેસ જીતવાના રસ્તે છે. અહંકાર અને અક્ષમતાનું ઘાતક મિશ્રણને કારણે, એક ભાયનક ત્રાસદી.” પોતાના આ ટ્વીટમાં રાહુલ ગાંધીએ એક 20 સેકન્ડનો વીડિયો પણ શેર કર્યો છે.


આ વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે, કેવી રીતે 17 મે બાદથી સતત વધતા કેસને કારણે ભારત એક-એક ક્રમ ઉપર ચડી રહ્યું છે અને હવે વિશ્વમાં Covid-19થી સૌથી વધારે પ્રભાવિત દેશોની યાદીમાં ભારત ચોથા સ્થાન પર આવી ગયું છે.

દેશમાં કોરોના દર્દીની સંખ્યા 3 લાખ નજીક પહોંચી ગઈ છે. સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં (1,01,141 કેસ) છે, ત્યાર બાદ તમિલનાડુમાં 40,698 અને દિલ્હીમાં 34,687 કેસ છે.