મુંબઈ: દેશમાં કોરોના વાયરસથી સૌથી પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્રમાં પોઝિટિવ કેસની સંખ્યા શુક્રવારે એક લાખને પાર પહોંચી છે. શુક્રવારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 3493 નવા કેસ સામે આવ્યા છે. નવા કેસ સામે આવતા પોઝિટિવ કેસની સંખ્યા વધીને 101141 પર પહોંચી છે.
રાજ્યના સ્વાસ્થ્ય વિભાગે જણાવ્યું કે શુક્રવારે 127 લોકોના કોરોના વાયરસના કારણે મોત થયા છે. સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં રાજ્યમાં 3717 લોકોના મોત થયા છે.


આ સિવાય એ પણ જાણકારી આપવામાં આવી છે કે અત્યાર સુધીમાં 47793 લોકો સારવાર બાદ સ્વસ્થ થયા છે. શુક્રવારે 1718 લોકોને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

મહારાષ્ટ્રમાં સામાજિક ન્યાય મંત્રી ધનંજય મુંડેનો કોવિડ-19 રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, પરંતુ તેમનામાં કોરોનાના કોઈ લક્ષણ નથી અને તેમની હાલત સ્થિર છે. જન સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ શુક્રવારે આ જણાવ્યું હતું. રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીના નેતા મુંડે આ સપ્તાહની શરૂઆતમાં રાજ્ય સચિવાલયમાં મંત્રિમંડળની બેઠકમાં સામેલ થયા હતા અને તેમણે અહીં બે દિવસ પહેલા પાર્ટીના સ્થાપના દિવસના કાર્યક્રમમાં પણ ભાગ લીધો હતો.

તેઓ કોરોના વાયરસથી સંક્રમિત થયેલા રાજ્યના ત્રીજા મંત્રી છે. આ પહેલા અશોક ચવ્હાણ અને જિતેંદ્ર અવ્હાડ પણ સંક્રમિત થયા હોવાની પુષ્ટી થઈ હતી. પરંતુ આ બંને મંત્રી હવે સ્વસ્થ થયા છે.