Rahul Gandhi Women Reservation Bill: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મહિલા અનામત બિલ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા છે. રાહુલ ગાંધીએ સ્પષ્ટ કર્યું છે કે કોંગ્રેસ પાર્ટી મહિલા અનામતનું સંપૂર્ણ સમર્થન કરે છે, પરંતુ સરકાર આ બિલના બહાને અન્ય પછાત વર્ગો (OBC) નો હિસ્સો છીનવી લેવા માંગે છે. તેમણે દાવો કર્યો છે કે નવી જાતિ આધારિત વસ્તી ગણતરી કર્યા વિના માત્ર જૂની વસ્તી ગણતરીના આધારે સીમાંકન કરવું એ એક મોટો ખેલ છે, જેનાથી દક્ષિણ ભારત અને પૂર્વોત્તરના રાજ્યોને ભારે નુકસાન થશે. રાહુલ ગાંધીએ OBC ના હક છીનવવાની આ રાજકીય પ્રવૃત્તિને સીધી રીતે 'રાષ્ટ્રવિરોધી' ગણાવી છે.

PM મોદી OBC નો હિસ્સો ચોરી કરવા માંગે છે: રાહુલ ગાંધી

લોકસભામાં મહિલા અનામત સંબંધિત બંધારણીય સુધારા બિલ રજૂ થાય તેના બરાબર એક દિવસ પહેલા રાહુલ ગાંધીએ એક વીડિયો સંદેશ જાહેર કર્યો હતો. આ સંદેશમાં તેમણે કહ્યું હતું કે, "સરકાર મહિલા અનામતના નામે એક મોટી અપ્રમાણિકતા અને છેતરપિંડી કરી રહી છે. વડાપ્રધાન મોદી નથી ઈચ્છતા કે આ નિર્ણય નવી જાતિ આધારિત વસ્તી ગણતરી પ્રમાણે લેવામાં આવે. તેઓ હજુ પણ 2011 ની વસ્તી ગણતરીનો જ ઉપયોગ કરવા માંગે છે, જેમાં OBC વસ્તીનો કોઈ સ્પષ્ટ ડેટા નથી. આમ કરીને પીએમ તમારો (OBC નો) હિસ્સો ચોરી લેવા માંગે છે."

"જાતિ ગણતરીના આંકડાથી સરકાર ગભરાઈ ગઈ છે"

રાહુલ ગાંધીએ સરકાર પર નિશાન સાધતા વધુમાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, RSS અને ભાજપ અત્યારે ગભરાયેલા છે કારણ કે હવે જાતિ આધારિત વસ્તી ગણતરીના સાચા આંકડા સામે આવવા લાગ્યા છે. તેમને OBC વસ્તીના કદનો સાચો અંદાજ આવી ગયો છે અને એટલે જ તેઓ નથી ઈચ્છતા કે પછાત વર્ગને તેમની વસ્તીના પ્રમાણમાં સાચો હિસ્સો મળે. રાહુલ ગાંધીએ ભારપૂર્વક કહ્યું કે, કોઈ પણ વર્ગનો હક મારવો એ એક રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિ છે.

દક્ષિણ અને પૂર્વોત્તર રાજ્યોને થશે ગંભીર નુકસાન

નવા સીમાંકન (Delimitation) ના પ્રસ્તાવને અત્યંત ખતરનાક ગણાવતા રાહુલ ગાંધીએ ચેતવણી આપી કે, જો મોદીજીની ઈચ્છા મુજબનું સીમાંકન લાગુ કરવામાં આવશે, તો તેનાથી દક્ષિણના રાજ્યો, પશ્ચિમના નાના રાજ્યો અને પૂર્વોત્તરના રાજ્યોને ગંભીર રાજકીય નુકસાન વેઠવું પડશે.

"અમે OBC, દલિતો અને આદિવાસીઓને અન્યાય નહીં થવા દઈએ"

પોતાનું વલણ એકદમ સ્પષ્ટ કરતા કોંગ્રેસ નેતાએ કહ્યું, "અમારી સીધી માંગ છે કે સીમાંકન 2011 ની નહીં, પરંતુ 2026 ની નવી વસ્તી ગણતરીના આધારે જ થવું જોઈએ. જો સરકાર ખરેખર મહિલા અનામત લાગુ કરવા જ માંગતી હોય, તો હાલનો 'નારી શક્તિ વંદન કાયદો' મોજૂદ જ છે, તેનો જ અમલ કરો. અમે તેમાં તમને પૂરેપૂરો સાથ આપીશું. પરંતુ, સરકાર પોતાની મરજી મુજબ બેઠકો વધારે, મનસ્વી રીતે સીમાંકન કરે અને તેમાં OBC ને કશું જ ન મળે, તેવું અમે ક્યારેય ચલાવી લઈશું નહીં. અમે અન્ય પછાત વર્ગો, દલિતો અને આદિવાસીઓને તેમના હકથી કોઈ સંજોગોમાં વંચિત નહીં રહેવા દઈએ."