ગાંધી પરિવારની એસપીજી સુરક્ષા કવચ હટાવવાના સરકારના નિર્ણયની કોગ્રેસે નિંદા કરી હતી.કોગ્રેસે મોદી સરકારના આ પગલાને ભયાનક અને બદલાની ભાવનાપૂર્ણ ગણાવ્યું હતું. કોગ્રેસ નેતા અહમદ પટેલે ટ્વિટ કરી કહ્યું કે, ભાજપ બે વડાપ્રધાનના પરિવારના સભ્યોની જિંદગી સાથે સમાધાન કરી અંગત બદલાના અંતિમ પાયદાન પર ઉતરી આવ્યું છે.
તે સિવાય કોગ્રેસ કાર્યકારિણીના સભ્ય જિતિન પ્રસાદે આ પગલાને ભયાનક ગણાવ્યો હતો. તેમણે કહ્યુ કે, એક એવો પરિવાર જેમના પરિવારજનોએ દેશની સેવા દરમિયાન રાજકીય હત્યાઓ કરવામાં આવી તેમની એસપીજી સુરક્ષા હટાવવી સરકારના ભયાનક બદલાની રાજનીતિ જાહેર કરે છે. નોંધનીય છે કે શુક્રવારે મોદી સરકારે કોગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી, તેમના દીકરા રાહુલ ગાંધી, અને પ્રિયંકા ગાંધીની એસપીજી સુરક્ષા હટાવી દીધી હતી. આ નેતાઓને હવે સીઆરપીએફ દ્ધારા જેડ પ્લસ સુરક્ષા આપવામાં આવશે.