નવી દિલ્હીઃ યૂપીમાં પોતાની યાત્રાના ચોથા દિવસે રાહુલ ગાંધીની કાર, બસ અને ખુલ્લા ટ્રકનો કાફલો શુક્રવારે અયોધ્યા પહોંચી રહ્યો છે. આવતા વર્ષની શરૂઆતમાં આ રાજ્યમાં ચૂંટણી થવા જઈ રહી છે. અયોધ્યામાં રાહુલ ગાંધી સૌથી પહેલા જાણીતા હનુમાનગઢી મંદિરમાં પ્રાર્થના કરશે. પરંતુ તે અહીંથી એક કિલોમીટર દૂર વિવાદિત રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ સ્થળ પર આવેલ રામ મંદિરમાં જશે કે નહીં તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.


તેમની મંદિર યાત્રા સાંકેતિક સૂચિતાર્થ ધરાવે છે. 26 વર્ષ પહેલા તેમના પિતા અને પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીએ અયોધ્યાની યાત્રા દરમિયાન હનુમાનગઢી મંદિર જવાની યોજના બનાવી હતી પરંતુ સમયના અભાવે તે જઈ શક્યા ન હતા. તેના આવતા વર્ષે 21 મે, 1991ના રોજ તેમની હત્યા થઈ ગઈ. રાહુલ ગાંધી ત્યારે માત્ર 20 વર્ષના હતા.

કેટલાક રાજનીતિક વિશ્લેષકો આ અયોધ્યા યાત્રાને કોંગ્રેસના નરમ હિન્દુત્વ એજન્ડા તરીકે જોવે છે. ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરની સલાહ પર કોંગ્રેસ પહેલા જ યૂપીમાં બ્રાહ્મણ કેન્દ્રિત ચૂંટણી અભિયાન ચલાવી રહી છે. પ્રશાંત કિશોરે રાહુલ ગાંધીની એક મહિનાની યાત્રાની સંપૂર્ણ રૂપરેખા તૈયાર કરી છે.