નવી દિલ્લીઃ કેન્દ્ર સરકારે રેલવે બજેટને અલગ રજૂ કરવાની જૂની પ્રથાને બંધ કરવાનો નિર્ણય લીધો છે. હવે આગામી નાણાકીય વર્ષથી રેલવે બજેટને અલગથી રજૂ કરવામાં નહીં આવે પણ તેને સામાન્ય બજેટમાં જ રજૂ કરાશે. એક રિપોર્ટ પ્રમાણે, હવે રેલવે બજેટ સામાન્ય બજેટનો એક ભાગ ગણાશે. આ રીતે 1924થી ચાલી આવતી 92 વર્ષ જૂની પરંપરા સમાપ્ત કરી નાખવામાં આવશે.
એક અહેવાલ અનુસાર, નાણા મંત્રાલય પણ રેલવે બજેટને સામાન્ય બજેટમાં જ રજૂ કરવા માટે રાજી થઇ ગયુ છે. નાણા મંત્રાલયે આ નિર્ણય માટે પાંચ સભ્યોની એક ટીમ બનાવી હતી. રેલવે મંત્રી સુરેશ પ્રભુએ મંગળવારે રાજ્યસભામાં જણાવ્યુ હતું કે અમે નાણા મંત્રી અરુણ જેટલીને રેલવે બજેટ ખત્મ કરવાનું કહ્યું છે. આ નિર્ણયથી આગામી સમયમાં દેશને આર્થિક ફાયદો થશે. રેલવે બજેટ ખત્મ થયા બાદ હવે નાણા મંત્રાલય રેલવે મંત્રાલયને પૈસા આપશે અને રેલવેના ખર્ચ અને કમાણી પર નાણા મંત્રાલયની નજર રહેશે