Ashwini Vaishnaw On RRB NTPC Results: રેલવે પરીક્ષામાં કૌભાંડના આરોપ બાદ વિદ્યાર્થીઓ બિહાર અને ઉત્તર પ્રદેશમાં સતત વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. પટણાથી શરૂ થયેલું વિરોધ પ્રદર્શન બિહારના અનેક વિસ્તારોમાં ફેલાઇ ચૂક્યું છે. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં પણ વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન પોલીસે વિદ્યાર્થીઓ પર અનેક સ્થળો લાઠીચાર્જ કર્યો હતો. બુધવારે બિહારમાં ગયા રેલવે જંક્શનના આઉટર સિગ્નલ પર ઉભેલી એમટી ટ્રેનના કોચમાં આગ લગાવી દીધી હતી. આ મામલા પર રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પ્રેસ કોન્ફ્રન્સ કરી હતી.


રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે એટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હોય તો એકવાર જ પરીક્ષા લેવી મુશ્કેલ છે. આ કારણથી બે લેવલ પર કરવામા આવી હતી. તેમ છતાં અમે એકવાર તેના પર વિચાર કરી રહ્યા હતા. હું મારા વિદ્યાર્થી મિત્રોને વિનંતી કરું છું કે રેલવે તમારી સંપત્તિ છે. તમે તમારી સંપત્તિને સંભાળીને રાખો. તમારી જે ફરિયાદો છે તેના પર અમે ગંભીરતાથી વિચાર કરીશું. કોઇ પણ વિદ્યાર્થીએ કાયદો હાથમાં લીધો નથી.




તેમણે કહ્યું કે રાજ્યોના મુખ્યમંક્ષીઓએ ખૂબ સંવેદનશીલતા સાથે કામ કર્યું છે. તમામ વિદ્યાર્થીઓને વિનંતી કરું છું કે તે પોતાના મુદ્દાઓને ઔપચારિક રીતે જોવે, અમે સંવેદનશીલતા સાથે વિચાર કરીશું. અમે જલદી આ મુદ્દાને ઉકેલવા માંગીએ છીએ. કમિટીએ ચાર માર્ચ સુધી રિપોર્ટ આપવાની છે.




આ મામલે રાહુલ ગાંધી અને અખિલેશ યાદવે પ્રતિક્રિયા આપી છે. જેના પર રેલવે મંત્રીએ નામ લીધા વિના કહ્યું કે કેટલાક લોકો આનો ખોટો ફાયદો ઉઠાવી રહ્યા છે. હું એ તમામને વિનંતી કરું છું કે વિદ્યાર્થીઓને ભ્રમિત ના કરે, આ વિદ્યાર્થીઓ છે, દેશનો મામલો છે. તેને આપણે સંવેદનશીલતા સાથે લેવો જોઇએ.