નવી દિલ્હી: ભારતીય રેલવે મંત્રાલય પહેલેથી દોડતી ગાડીઓ ઉપરાંત અન્ય 100 વિશેષ ટ્રેનો દોડાવવાની તૈયારી કરી રહ્યું છે. આ સંદર્ભે વધુ ચર્ચાઓ કરવા રાજ્ય સરકારોનો પણ સંપર્ક કર્યો છે. લોકોની સુવિધા માટે રેલ મંત્રાલય ટૂંક સમયમાં સ્પેશ્યલ ટ્રેનો દોડાવવાની તૈયારી કરી રહ્યું છે.

અનલોક 4ની ગાઇડલાઇન જાહેર થયાના ત્રીજા દિવસ બાદ ભારતીય રેલવેએ મંગળવારે કહ્યું હતું કે તેના માટે રાજ્ય સરકારોની સલાહ લેવામા આવી રહી છે. કેટલી ટ્રેનો ચલાવવાની છે તે રાજ્યોની માંગ પર નિર્ભર રહેશે.

એક રિપોર્ટમાં જણાવાયું છે કે રેલવે આગામી દિવસોમાં 100 વધુ ટ્રેનો ચલાવવાની યોજના પર કામ કરી રહ્યું છે. કોરોના વાયરસ અને લોકડાઉનના લીધે રેલવેએ 25 માર્ચથી જ દરેક પેસેન્જર, મેલ અને એક્સપ્રેસ ટ્રેન સર્વિસને રદ્દ કરી હતી.

રેલવે દ્વારા શ્રમિકો માટે 1મેથી શ્રમિક સ્પેશ્યલ ટ્રેનો ચલાવવામાં આવી હતી. આ ટ્રેનો દ્વારા દેશભરના શ્રમિકોને તેમના ઘર સુધી પહોંચાડવામા આવ્યા હતા.