નવી દિલ્હીઃ રેલવેએ 12 સપ્ટેમ્બરથી 40 જોડી નવી સ્પેશિયલ ટ્રેન શરૂ કરવાની જાહેરાત કરી છે. રેલવે બોર્ડના ચેરમેન અને સીઈઓ વિનોદ કુમાર યાદવે જણાવ્યુ કે, 80 સ્પેશિયલ ટ્રેનોને 12 સપ્ટેમ્બરથી ચલાવવા માટે 10 સપ્ટેમ્બરથી રિઝર્વેશન શરૂ કરવામાં આવશે.


રેલ મંત્રાલયના જણાવ્યા મુજબ, ટ્રેન ઓક્યૂપેંસી અને લોકોની મૂવમેંટના આધારે એક નવો ટ્રેંડ સામે આવ્યો છે.  જેમાં પ્રવાસી મજૂરો ઝડપથી મોટા શહેરોમાં પરત ફરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. જે શહેરોમાંથી પ્રવાસી મજૂરો લોકડાઉનના કારણે પલાયન કરી ગયા હતા તેઓ કામ માટે પરત શહેરમાં આવી રહ્યા છે. જેને ધ્યાનમાં રાખી 12 સપ્ટેમ્બરથી 80 સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો ફેંસલો લેવામાં આવ્યો છે.



દિલ્હીથી ગોરખપુર જતી હમસફર એક્સપ્રેસ, દિલ્હીથી ભાગલપુર જતી વિક્રમશીલા એક્સપ્રેસ, ગ્વાલિયરથી માદવાહિહ બનારસ જતી બુંદેલખંડ એક્સપ્રેસ, મૈસુરથી સોલાપુર જતી ગોલ ગુમ્બજ એક્સપ્રેસ, કોટાથી દહેરાદૂન એક્સપ્રેસ નંદા દેવી એક્સપ્રેસ 12 સપ્ટેમ્બરથી શરૂ થશે.

કોરોના સંકટ દરમિયાન પ્રવાસી મજૂરોને ધ્યાનમાં રાખી શ્રમિક સ્પેશિયલ ટ્રેન શરૂ કરવામાં આવી હતી. હવે શ્રમિક સ્પેશિયલ ટ્રેનોની માંગ ખતમ થઈ ગઈ છે, જોકે રેલવેનું કહેવું છે કે હવે રાજ્યોની માંગ હશે તેવી જ ટ્રેન ચલાવાશે. શ્રમિક સ્પેશિયલ ટ્રેન નોન એસી હતી.