ભારતમાં દરરોજ કરોડો મુસાફરો ટ્રેનમાં મુસાફરી કરે છે. આ કરોડો નાગરિકોમાં મોટી સંખ્યામાં નવજાત બાળકો પણ દરરોજ ટ્રેનમાં મુસાફરી કરે છે. માતાઓને નાના બાળકોને ટ્રેનમાં લઈ જવામાં ઘણી તકલીફ પડે છે, ખાસ કરીને તેમને રાત્રે બર્થ પર સૂવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ મુશ્કેલીના નિરાકરણ સ્વરુપે હવે રેલવેએ એક અનોખો પ્રયાસ કર્યો છે. ટ્રેનમાં હવે માતા અને બાળકો માટે ખાસ બર્થ તૈયાર કરવામાં આવી છે અને તેને હાલ ટ્રાયલ તરીકે ચલાવવામાં આવી રહી છે.


ભારતીય રેલ્વેએ લખનૌથી દિલ્હી વચ્ચે ચાલતી ટ્રેન નંબર 12230 લખનૌ મેલ, કોચ નં. 194129 (B-4)માં બર્થ નં.12 અને બર્થ નં.60ને ખાસ અલગ રીતે તૈયાર કરવામાં આવી છે. કેબિનના બંને છેડે માતા-બાળકની બેઠક માટે અલગ સીટ ફિટ કરવામાં આવી છે. જેનાથી માતા અને બાળકની મુસાફરી અને ઊંઘને ​​આરામદાયક બનાવશે.


બેબી બર્થને વાળીને મુકી શકાય છેઃ
આ બેબી બર્થ માતાઓને તેમના બાળકો સાથે આરામથી સૂવાની સગવડ પૂરી પાડશે, પ્રવાસી માતાઓ તરફથી મળેલા પ્રતિસાદને ભવિષ્યમાં આવી બર્થ બનાવવા માટે ધ્યાને લેવામાં આવશે, આ સીટને 'ફિટ બેબી સીટ' નામ આપવામાં આવ્યું છે. જ્યારે સીટ ઉપયોગમાં ન હોય ત્યારે 'ફીટ બેબી સીટ' ફોલ્ડ કરી શકાય તેવી બનાવાઈ છે અને સ્ટોપર વડે મુખ્ય સીટની નીચે સુરક્ષિત રીતે વાળીને મુકી શકાય છે. જ્યારે સીટને ઉપયોગમાં લેવાની થાય ત્યારે સીટની સ્ટોપરને ખોલી શકાય છે.


આવી હશે 'ફિટ બેબી સીટ':
'ફિટ બેબી સીટ'ની લંબાઈ અને પહોળાઈ આ પ્રમાણે સેટ કરેલ છે.
સીટની લંબાઈ = 770 મીમી
સીટની પહોળાઈ = 255 મીમી
બર્થ સાથે સીટની ઊંચાઈ = 76.2 મીમી, માતા અને બાળક માટે મુસાફરીને વધુ આરામદાયક બનાવવા માટે ટ્રેનમાં સફર કરતી માતાઓ પાસેથી મળેલા ફીડ બેકના આધારે આ સીટમાં વધુ ફેરફાર કરી શકાય છે. હાલમાં રેલવેએ ટ્રાયલ સ્વરુપે આ નવો પ્રયોગ કર્યો છે.