તેલંગણા અને આંધ્રપ્રદેશના ઘણા વિસ્તારોમાં સતત ત્રીજા દિવસે મૂશળધાર વરસાદ થયો હતો. જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. નદીઓ અને નાળાઓ ઉભરાઈ રહ્યા છે. સતત વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને પાકને નુકસાન થયું છે. રોડ અને રેલવે બ્લોક કરી દેવામાં આવ્યા છે. ઘણી જગ્યાએ પાણી ભરાવા અને ટ્રેકને નુકસાન થવાને કારણે 432 ટ્રેનો રદ કરવામાં આવી છે જ્યારે 139ના રૂટમાં  ફેરફાર કરવામાં આવ્યો છે.






વરસાદને કારણે 1.5 લાખ એકરથી વધુ વિસ્તારમાં પાકને નુકસાન


NDRF, આર્મી અને અન્ય એજન્સીઓ રાહત અને બચાવ કામગીરીમાં લાગેલી છે. આ કુદરતી આફતને કારણે તેલંગણામાં 16 અને આંધ્રપ્રદેશમાં 15 લોકોના મોત થયા છે. 1.5 લાખથી વધુ એકરમાં પાકને નુકસાન થયું છે. રાજ્ય સરકારે આશરે 5,000 કરોડ રૂપિયાના નુકસાનનો અંદાજ લગાવ્યો છે અને કેન્દ્ર પાસેથી 2,000 કરોડની તાત્કાલિક સહાયની માંગ કરી છે. તેમજ પૂરને રાષ્ટ્રીય આફત જાહેર કરવાની માંગણી કરી હતી. આંધ્રપ્રદેશમાં પણ લગભગ 4.5 લાખ લોકો પૂરથી પ્રભાવિત થયા છે.


તેલંગણામાં ત્રણ દાયકા પછી આ પ્રકારનું પૂર આવ્યું


તેલંગણાના મુખ્યપ્રધાન એ. રેવંત રેડ્ડીએ પૂરમાં માર્યા ગયેલા લોકોના પરિવારોને 5 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવા અને પૂરને રાષ્ટ્રીય આપત્તિ જાહેર કરવા વિનંતી કરી હતી. તેમણે કહ્યું કે રાજ્ય સરકાર પૂરથી થયેલા નુકસાન અંગે કેન્દ્રને વ્યાપક અહેવાલ સુપરત કરશે. ખમ્મમ જિલ્લામાં પૂરને કારણે ભારે નુકસાન થયું છે. ત્રણ દાયકા પછી અહીં આવું પૂર આવ્યું છે.


આગામી 24 કલાકમાં આ જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે


હવામાન વિભાગે આગામી 24 કલાકમાં આદિલાબાદ, જગિત્યાલ, કામારેડ્ડી, કોમારામ ભીમ આસિફાબાદ, મેડક, મેડચલ મલકાજગીરી, નિઝામાબાદ, પેડ્ડાપલ્લી, સંગારેડ્ડી સહિત 11 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. બીજી તરફ, આંધ્રપ્રદેશમાં છેલ્લા ત્રણ દિવસમાં ભારે વરસાદ અને પૂરના કારણે 4.5 લાખ લોકો પ્રભાવિત થયા છે. 31,238 લોકોને 166 રાહત કેમ્પમાં ખસેડવામાં આવ્યા છે. સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓમાં NTR, ગુંટુર, કૃષ્ણા, એલુરુ, પાલનાડુ, બાપટલા અને પ્રકાશમનો સમાવેશ થાય છે.


SDRFની 20 ટીમો અને NDRFની 19 ટીમો રાહત અને બચાવ કાર્યમાં લાગેલી છે. NDRFની નવ ટીમો અને SDRFની વધુ બે ટીમો સૌથી વધુ અસરગ્રસ્ત વિજયવાડા માટે રવાના થઈ છે. ગુંટુર અને એનટીઆરના પ્રભાવિત વિસ્તારોમાં શોધ અને બચાવ કામગીરી માટે એરફોર્સના બે હેલિકોપ્ટર તૈનાત કરવામાં આવ્યા છે. પૂરના કારણે 20 જિલ્લાઓમાં લગભગ 1.65 લાખ હેક્ટર પાકને નુકસાન થયું છે.


લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોને રાહત અને બચાવ કામગીરીમાં શક્ય તમામ મદદ પૂરી પાડવા હાકલ કરી હતી. તેમણે કેન્દ્ર સરકાર અને આંધ્રપ્રદેશ સરકારને આપત્તિગ્રસ્ત લોકો માટે શક્ય તેટલી વહેલી તકે પેકેજ જાહેર કરવાની માંગ કરી હતી.