અમદાવાદઃ ગુજરાતમાં રાજ્ય માટે હજુ પણ આગામી 24 કલાક ભારે છે. આજે રાજ્યના કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. હાલમાં રાજસ્થાન પાસે એક લોપ્રેશર સર્જાયું છે. તો અરબી સમુદ્રમાં એક સાઈક્લોનિક સરક્યુલેશન પણ સરાજ્યું છે. જેના કારણે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.


સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક સ્થળોએ આજે અને આવતીકાલે ધોધમાર વરસાદ વરસી શકે છે. મોરબી, દ્વારકા, પોરબંદર,જૂનાગઢ, બનાસકાંઠા, પંચમહાલ, દ્વારકા, દાહોદ, પાટણ, સાબરકાંટા, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, ડાંગ, તાપી, ભરૂચ, નર્મદા, વડોદરા અને અમદાવાદમાં ભારે વરસાદ પડવાની શખ્યતા છે.

ભારે વરસાદની આગાહીના પગલે બે દિવસ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામા આવી છે. હવામાન વિભાગના મતે રાજયમાં અત્યાર સુધીમાં સિઝનના સરેરાશ વરસાદ કરતા 18 ટકા વધુ વરસાદ વરસી ચૂક્યો છે.

રાજ્યમાં છેલ્લા એક સપ્તાહમાં વરસાદે તમામ કસર પૂરી કરી દીધી છે. રાજ્યમાં અત્યાર સુધી 33.60 ઈંચ સાથે સિઝનનો 102.73 ટકા વરસાદ વરસી ચુક્યો છે. જો કે રસપ્રદ રીતે ગુજરાતમાંથી જ્યાં સૌથી વધુ વરસાદ નોંધાય છે તેવા દક્ષિણ ગુજરાત કરતા કોરાધાકોર ગણાતા કચ્છમાં
આ વખતે બમણા કરતાં વધુ સરેરાશ વરસાદ વરસ્યો છે.

દક્ષિણ ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધી 90.21 ટકા જ્યારે કચ્છમાં 188.04 ટકા વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાતમાં હજુ સરેરાશ કરતા ઓછો વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાતમાં અત્યાર સુધી સિઝનનો 87.44 ટકા, સૌરાષ્ટ્રમાં 134.81 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં સિઝનનો 78.98 ટકા વરસાદ નોંધાયો છે.

રાજ્યમાં આ વખતે સરેરાશ 4.92 ઈંચથી ઓછો વરસાદ પડ્યો હોય તેવો એક પણ તાલુકો નથી..4.26ઈંચથી 9.84 ઈંચ વરાસદ નોઁધાયો હોય તેવો માત્ર એક તાલુકો છે. 42 તાલુકામાં 9.88 ઈંચથી 19.86 ઈંચ, 139 તાલુકામાં 19.72 ઈંચથી 39.37 ઈંચ જ્યારે 69 તાલુકાઓમાં 39.38 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.