નવી દિલ્હીઃ ધીમી શરૂઆત બાદ મોનસૂને ગતિ પકડી છે અને વિતેલા ચાર દિવસમાં મોનસૂને 10 રાજ્યોમાં દસ્તક દીધી છે. આ રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે જે કાળઝાળ ગરમીમાં લોકોને રાહત આપી રહ્યો છે. રાજસ્થાન, બિહાર, યૂપી, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, જમ્મૂ કાશ્મીર અને મહારાષ્ટ્રમાં વિતેલા બે દિવસમાં થોડો થોડો વરસાદ પડી રહ્યો છે. (તમામ તસવીર ફાઈલ તસવીર છે.)



બંગાળની ખાડીમાંથી દબાણ સર્જાતા ચોમાસું વારાણસી પહોંચી ગયું હતું જોકે હજુ સુધી તે મુંબઈ પહોંચ્યું નથી. હવામાન વિભાગમાં ચોમાસાની આગાહી કરનાર ડી. શિવાનંદ પાઈએ કહ્યું, ચોમાસું આગામી એક કે બે દિવસમાં મુંબઈ પહોંચી શકે છે અને 25 જૂન સુધીમાં સમગ્ર મહારાષ્ટ્રને કવર કરી શકે છે આ બાદ સિષ્ટમ નબળી પડી શકે છે.

પાઈએ ઉમેર્યું કે, ચોમાસું નબળું પડતા પહેલા સોમવારે ઉત્તરમાં ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં થોડું વધારે આગળ જઈ શકે. આ મહિનામાં ચોમાસાનો વરસાદ સામાન્ય કરતા 38 ટકા ઓછો રહેશે. વરસાદની અછત 19 જૂને 44 ટકા હતી.



આ ઉનાળા દરમિયા મરાઠાવાડા અને વિદર્ભમાં પાણીની અછતનો સામનો કરી રહ્યા હતા. રવિવારે આ જગ્યાઓએ સારો વરસાદ પડ્યો. મધ્ય મહારાષ્ટ્ર, રાયલાસીમા, આંધ્ર પ્રદેશના કોસ્ટલ પ્રદેશો, છત્તીસગઢ, બિહાર, પૂર્વ યુપીમાં ચોમાસું સક્રિય થઈ ગયું છે. રવિવારે કર્ણાટક, તેલંગાણા, પશ્ચિમ એમ.પી અને જમ્મૂ-કાશ્મીરમાં પણ થોડો વરસાદો નોંધાયો હતો.

આગામી થોડા દિવસોમાં ચોમાસું મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને સાઉથ ગુજરાતના ભાગોને કવર કરી લેશે. તેની આગળની ઉત્તરપશ્ચિમ ભારતમાં પ્રગતિ બંગાળની ખાડીમાં નવું લો-પ્રોશર સર્જાય તેના પર આધાર રાખશે.