મુંબઈ: ભારતમાથી પાકિસ્તાની અભિનેતાઓને પાછા મોકલવાના મુદ્દે સલમાન ખાને આપેલા નિવેદન બાદ વિવાદ વકર્યો છે. શનિવારે શિવસેના બાદ મનસેના રાજ ઠાકરેએ સલમાન ખાન પર આકરા પ્રહારો કર્યા છે. રાજ ઠાકરેએ ધમકી આપી છે કે તેઓ સલમાનની ફિલ્મો બેન કરી દેશે.
રાજ ઠાકરેએ કહ્યું છે કે જો સલમાને પાકિસ્તાની અભિનેતાઓને સમર્થન આપ્યું છે તો અમે તેની ફિલ્મો પર પ્રતિબંધ મૂકી શકીએ છીએ. સાથે જ ઠાકરે એ પૂછ્યું કે શું સલમાન દેશની રક્ષા કરશે.
રાજ ઠાકરેએ કહ્યું કે, આપણા દેશમાં કલાકારો નથી? આપણે પાકિસ્તાની કલાકારોની શું જરૂર છે? જવાનો આપણી માટે સરહદ પર લડી રહ્યા છે. જો એ લોકો હથિયાર નીચે મૂકી દેવાનું નક્કી કરે તો શું થશે? આપણી સીમાની રક્ષા કોણ કરશે.. સલમાન?
રાજ ઠાકરેએ ટકોર કરતા કહ્યું કે કલાકારોએ સમજવાની જરૂર છે કે દેશ પહેલા છે. જો એમને બહુ તકલીફ હોય તો અમે તેમની ફિલ્મો પર પ્રતિબંધ મૂકી દેશું.
ઉલ્લેખનીય છે કે શુક્રવારે દિલ્લીમાં એક કાર્યક્રમમાં આ મુદ્દે સલમાન ખાને કહ્યું હતું કે, તેઓ કલાકારો છે, આતંકવાદી નહિ. સરકાર જ તેમને વર્ક પરમીટ અને વિઝા આપે છે. કલા અને આતંકવાદને જોડવાની જરૂર નથી.
શનિવારે શિવસેનાના નેતાએ આ અંગે ટકોર કરતા જણાવ્યું હતું કે સલમાનને જો પાકિસ્તાની કલાકારો માટે એટલો જ પ્રેમ હોય તો તેમણે ત્યાં જ જતા રહેવું જોઈએ.
ગયા અઠવાડિયા રાજ ઠાકરેએ 48 કલાકના અલ્ટીમેટમમાં પાકિસ્તાની કલાકારો ફવાદ ખાન, અલી ઝફર અને માહિરા ખાનને ભારત છોડવા માટે કહ્યું હતું, અને ધમકી આપી હતી કે જો તેઓ આમ નહિ કરે તો તેમને કાઢી મૂકવામાં આવશે.