નવી દિલ્હીઃ સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સાંસદ અને પૂર્વ વડાપ્રધાન ચંદ્રશેખરના પુત્ર નીરજ શેખરે આજે રાજ્યસભાના સાંસદ પદેથી રાજીનામું આપી દીધું હતું. છેલ્લા થોડા સમયથી અખિલેશ યાદવ અને તેની વચ્ચે તણાવ ચાલતો હતો. લોકસભા ચૂંટણીમાં તેમણે પરિવારની પરંપરાગત સીટ બલિયાથી ટિકિટ માંગી હતી પરંતુ સમાજવાદી પાર્ટીએ ટિકિટ આપી નહોતી. જે બાદ તેઓ નારાજ હતા.

સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ નીરજ શેખર મંગળવારે 12.30 કલાકે ભાજપમાં સામેલ થઈ શકે છે. 2020માં ભારતીય જનતા પાર્ટી તેમને ઉત્તર પ્રદેશમાંથી જ રાજ્યસભામાં મોકલશે તેવી ચર્ચા થઈ રહી છે.


8 વખત બલિયાથી સાંસદ રહેલા પૂર્વ પીએમ ચંદ્રશેખરના નિધન બાદ યોજાયેલી પેટા ચૂંટણીમાં તેમના દીકરા નીરજ શેખરે જીત મેળવી હતી. 2009ની લાકસભા ચૂંટણીમાં પણ નીરજે જીત મેળવી હતી. 2014માં તેમની હાર થઈ હતી અને 2019 લોકસભા ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીએ તેમને મેદાનમાં ઉતાર્યા નહોતા.