જયપુરઃ સમગ્ર દેશ હાલ કોરોના વાયરસ સામે ઝઝૂમી રહ્યો છે ત્યારે ગુજરાતને અડીને આવેલા રાજસ્થાનમાં વધુ એક જીવલેણ વાયરસ જોવા મળતા ચિંતા વધી ગઈ છે. રાજસ્થાનના ઝાલાવાડમાં બર્ડ ફ્લૂના કારણે રાડીના બાલાજી મંદિરમાં અનેક કાગડાના ટપોટપ મોત થયા હતા. જિલ્લા કલેક્ટર એન. ગોહાએને પ્રભાવિત વિસ્તારોમાં ઝીરો મોબિલિટી લાગુ કરી તમામ પોલ્ટ્રી ફાર્મમાં તપાસના આદેશ આપ્યા છે.


જે બાદ તેમણે તાત્કાલિક એક કમિટીની રચના કરી હતી. વનવિભાગ અને પશુપાલન વિભાગની સંયુક્ત ટીમે અન્ય બીમાર કાગડાની સારવાર કરી અને સેમ્પલ રાષ્ટ્રીય સુરક્ષા પશુરોગ સંસ્થા, ભોપાલમાં મોકલ્યા હતા. તપાસ દરમિયાન કાગડામાં એવિયન ઈંફ્લુએંઝાની પુષ્ટિ થઈ હતી. જે બાદ ઝાલાવાડ જિલ્લા કલેકટરે એસડીએમ, ઉપ વન સંરક્ષક,પોલીસ ઉપ અધિક્ષક, પશુપાલન વિભાગના સંયુક્ત નિર્દેશક તથા અન્ય સેવાભાવી સંસ્થાની એક ટીમ બનાવીને તાત્કાલિક કાર્યવાહી કરવા આદેશ કર્યો હતો. સામાન્ય રીતે બર્ડ ફ્લૂ સંક્રમિત પક્ષીઓથી ફેલાય છે. આવા પક્ષીના સંપર્કમાં આવેલા લોકોને પણ તે ઝપેટમાં લે છે.

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 21,181 નવા કેસ નોંધાયા છે અને 299 લોકોના મોત થયા છે. દેશમાં સંક્રમિતોની કુલ સંખ્ય 1,02,66,674 પર પહોંચી છે. જ્યારે એક્ટિવ કેસની સંખ્યા 2,57,656 છે. અત્યાર સુધીમાં કુલ 98,60,280 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે અને કુલ મૃત્યુઆંક 1,48,738 થયો છે.