Rajasthan Cabinet Reshuffle: રાજસ્થનના મુખ્યમંત્રી અશોક ગેહલોત આજે મંત્રીમંડળનું પુનર્ગઠન કરશે. આજે થનારા શપથ સમારોહમાં કુલ 15 નેતાઓ મંત્રીપદના શપથ લેશે. નવા મંત્રીઓનો શપથ ગ્રહણ સમારોહ આજે સાંજે 4 કલાકે રાજભવનમાં યોજાશે. આજે થનારા શપથગ્રહણ સમારોહમાં 15 નેતા મંત્રી પદના શપથ લેશે. જેમાંથી 11 કેબિનેટ મંત્રી તરીકે શપથ ગ્રહણ કરશે. ત્રણ મંત્રીઓને પ્રમોટ કરીને કેબિનેટ મંત્રી બનાવાશે. જ્યારે મંત્રીમંડળમાં આઠ નવા ચહેરોને સ્થાન અપાશે. અન્ય ચાર નેતાઓ રાજ્ય મંત્રી તરીકે શપથ લેશે.
મમતા ભૂપશે, ટીકા રામ જૂલી અને ભજન લાલા જાટવને પ્રમોટ કરીને કેબિનેટ મંત્રી બનાવાશે. આ ત્રણેય નેતા પહેલાથી જ રાજ્યમંત્રી છે. જ્યારે હેમા ચૌધરી અને રમેશ મીણાને સચિન જૂથ તરફથી કેબિનેટ મંત્રી બનાવાશે. આ ઉપરાતં પાયલટ જૂથના બૃજેન્દ્ર ઓલા અને મુરારી મીણા રાજ્યમંત્રી તરીકે શપથ લેશે. બીએસપી છોડીને કોંગ્રેસમાં સામેલ થનારા રાજેન્દર ગૂઢાને રાજ્યમંત્રી બનાવાશે.
રાજસ્થાન વિધાનસભાનું ગણિત
રાજસ્થાનમાં કુલ 200 વિધાનસભા સીટ છે. સંખ્યાબળના હિસાબે રાજસ્થાન વિધાનસભામાં હાલ કોંગ્રેસના 108 અને ભારતીય જનતા પાર્ટીના 71 ધારાસભ્યો છે. જ્યારે 13 અપક્ષ ધારાસભ્ય છે.
અશોક ગેહલોત સરકાર આગામી મહિને ત્રણ વર્ષનો કાર્યકાળ પૂરો કરી રહી છે, રાજસ્થાનમાં કેબિનેટમાં ફેરબદલ પહેલાં શનિવારે ગેહલોત મંત્રીમંડળના બધા જ મંત્રીઓએ રાજીનામાં આપી દીધા છે. મુખ્યમંત્રી અશોક ગેહલોતના ઘરે બેઠક યોજાયા પછી બધા જ મંત્રીઓએ તેમના રાજીનામા પક્ષના મોવડીમંડળને સોંપી દીધા હતા. રાજ્ય પરિવહન મંત્રી પ્રતાપ સિંહ ખાચરિયાવાસે કહ્યું કે, મંત્રીપરિષદની બેઠક મુખ્યમંત્રી ગેહલોતના અધ્યક્ષપદે યોજાઈ હતી. કોંગ્રેસ ધારાસભ્યોને રવિવારે બપોરે બે વાગ્યે પક્ષના પ્રદેશ કાર્યાલયમાં બોલાવાયા છે. ત્યાર પછીનો કાર્યક્રમ ગેહલોત અને પક્ષના પ્રદેશ પ્રભારી અજય માકન નિશ્ચિત કરશે.