જયપુર: રાજસ્થાનમાં રાજકીય સંકટ વચ્ચે મુખ્યમંત્રી અશોક ગેહલોતે આજે(શનિવાર) રાજ્યપાલ કલરાજ મિશ્ર સાથે મુલાકાત કરી હતી અને રાજ્યપાલને રાજ્યની વર્તમાન રાજકીય સ્થિતિ અંગે અવગત કર્યા હતા. સાથે પોતાની પાસે બહુમત હોવાનો તર્ક પણ આપ્યો છે. સૂત્રો અનુસાર ગેહલોતે એ પણ કહ્યું કે, જરૂરત પડી તો તેઓ સદનમાં પણ બહુમત સાબિત કરવા માટે તૈયાર છે.

બુધવારે વિધાનસભા સત્ર બોલાવવામાં આવી શકે છે. આજે બીજેપી નેતા ગુલાબ ચંદ કટારિયાએ કહ્યું હતું કે, અમે બહુમત પરીક્ષણની માંગ નથી કરતા પરંતુ જો અશોક ગેહલોતને લાગે છે કે, તેમની પાસે બહુમત છે તો, તેમણે સદનમાં સાબિત કરવું જોઈએ.

આ સિવાય ગેહલોતને મોટા રાહત પણ થઈ છે. ભારતીય ટ્રાઈબલ પાર્ટી (બીટીપી) એ કૉંગ્રેસને સમર્થન આપવાની જાહેરાત કરી દીધી છે. રાજસ્થાન પ્રદેશ કૉંગ્રેસના નવનિયુક્ત અધ્યક્ષ ગોવિંદ સિંહ ડોટાસરાએ કહ્યું કે બીટીપીના બન્ને ધારાસભ્ય અને તેમના પદાધિકારી અશોક ગેહલોતની સરકારના કાર્યકાળથી સંતુષ્ટ છે અને તેઓ કૉંગ્રેસની સાથે છે.

ડોટાસરાએ કહ્યું કે, નિશ્ચિતપણે પ્રજાતંત્રને મજબૂત કરવા અને બચાવી રાખવા માટે આ બન્ને ધારાસભ્યોએ અમારી સરકાર પર વિશ્વાસ મૂક્યો છે. બીટીપી ધારાસભ્ય રાજકુમાર રૌતેએ કહ્યું કે, સરકારે આશ્વાસન આપ્યું છે કે, અમારી માંગોને પૂરી કરશે અને અમે પણ કહ્યું છે કે, અમે કૉંગ્રેસ સરકાર અને સીએમ અશોક ગહેલોત સાથે છીએ.