જયપુરઃ આજે સૌની નજર રાજસ્થાન પર ટકેલી રહેશે. CM અશોક ગેહલોત વિધાનસભામાં વિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરશે. જોકે સરકાર પર અત્યારે કોઇ સંકટ દેખાતું નથી. બળવા પછી સચિન પાયલટ ગુરૂવારે અશોક ગેહલોતને મળ્યા હતા. બન્ને નેતાઓએ હાથ મિલાવ્યો અને હસ્યા પરંતુ ભેટ્યા નહીં. ધારાસભ્ય પક્ષની બેઠકમાં ગેહલોતે કહ્યું કે અમે આ 19 ધારાસભ્યો વિના પણ બહુમત સાબિત કરી દેત પણ તેમાં ખુશી ન થાત. પોતાના તો પોતાના જ હોય છે. ભાજપે પણ ધારાસભ્ય પક્ષની બેઠક આયોજિત કરી હતી. આ વખતે પૂર્વ CM વસુંધરા રાજે પણ તેમાં સામેલ થયા હતાં. ભાજપે કહ્યું કે તેઓ વિધાનસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવશે.


રાજસ્થાન કોંગ્રેસમાં મુખ્યમંત્રી અશોક ગેહલોત સામે બળવો પોકાર્યાના લગભગ એક મહિના પછી આખરે સચિન પાયલટ અને અશોક ગેહલોત સૌપ્રથમ વખત ગુરૂવારે મળ્યા હતા. ગેહલોતના નિવાસસ્થાને યોજાયેલી બેઠકમાં સચિન પાયલટે કેમેરા સામે ગેહલોત સાથે હાથ મિલાવ્યા અને પક્ષમાં પાછા ફરવાના સંકેતો આપ્યા હતા.

ગેહલોતે કહ્યું કે, ‘અમને ગર્વ છે કે અમે એ પાર્ટીના સિપાહી છીએ જે પાર્ટીનો ત્યાગ, બલિદાન, કુર્બાનીનો ઈતિહાસ રહ્યો છે. માટે હું કહેવા માગુ છું કે જે થયું તેને ભૂલી જવું જોઈએ. આપણે મોટું દિલ રાખવું જોઈએ, મળીને ચાલવાનું છે.’

દિલ્હીમાં કોંગ્રેસ મોવડીમંડળની દરમિયાનગીરીને પગલે બળવાખોર પાયલટ જૂથના ધારાસભ્યો પક્ષમાં પાછા ફરતાં કોંગ્રેસ ફ્લોર ટેસ્ટ પાસ કરી લેશે તેવી સંભાવનાઓ છે. 200 ધારાસભ્યોના ગૃહમાં કોંગ્રેસ 107 ધારાસભ્યો ધરાવે છે અને તેને અપક્ષ તથા સહયોગી પક્ષના ધારાસભ્યોનો પણ ટેકો છે. જ્યારે ભાજપના 72 ધારાસભ્યો છે.

ગેહલોતને વફાદાર ધારાસભ્યોએ પાયલટના પુનરાગમન સામે અસંતોષ વ્યક્ત કર્યો હતો. જોકે, ગેહલોતે તેમને ‘માફ કરો અને ભૂલવા’ની નીતિ અપનાવી આગળ વધવા હાકલ કરી હતી.

લગભગ એક મહિના લાંબી કટોકટી પછી ગેહલોત અને પાયલટની સૌપ્રથમ મુલાકાત માટે યોજાયેલી બેઠકમાં દિલ્હીથી કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ કે. સી. વેણુગોપાલ, અવિનાશ પાંડે, રણદીપ સુરજેવાલ અને અજય માકન હાજર રહ્યા હતા.