જયપુરઃ રાજસ્થાન સરકારે શુક્રવારે ડીઝલ અને પેટ્રોલ પર વેટ 2 ટકા ઘટાડી દીધો છે. હવે રાજસ્થાનમાં પેટ્રોલ પર 36 અને ડીઝલ પર 26 ટકા વેટ લાગશે. પેટ્રોલ અને ડીઝલની કિંમત મુખ્ય રીતે વૈશ્વિક બજારમાં ક્રૂડના ભાવના આધારે નક્કી થાય છે. પરંતુ રાજ્યોમાં અલગ અલગ વેટના કારણે દરેક રાજ્યમાં પેટ્રોલ ડીઝલના અલગ અલગ ભાવ હોય છે.


રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે વેટમાં ઘટાડો કરતાં કેન્દ્ર સરકારને પણ ટેક્સમાં ઘટાડો કરવાની માગ કરી છે. ગેહલોતે ટ્વીટ કરીને કહ્યું કે, “રાજ્ય સરકારે પેટ્રોલ અને ડીઝલ બન્ને પર વેટ 2 ટકા ઘટાડ્યો ચે, જેનાથી રાજસ્થાનના લોકોને રાહત મળશે. અમને આશા છે કે કેન્દ્ર સરકાર પણ એક્સાઈઝ ડ્યૂટીમાં ઘટાડો કરશે જેથી સામાન્ય લોકોનો નાણાંકીય બોજ ઘટાડી શકાય.’”


કેન્દ્રની સાથે સાથે રાજ્ય સરકાર પણ લગાવે છે ટેક્સ

જયપુરમાં વિતેલા ત્રણ દિવસથી પેટ્રોલ 93.94 રૂપિયા પ્રતિ લિટર અને 86.02 પ્રતિ લિટરે વેચાઈ રહ્યું છે. હવે પેટ્રોલ 92.51 અને ડીઝલ 84.62 પ્રતિ લિટર થઈ ગયા છે. નોંધનીય છે કે, પેટ્રોલ ડીઝલ જીએસટી અંતર્ગત નથી આવતા. પેટ્રોલ અને ડીઝલ પર રાજ્ય સરકાર પોતાની રીતે વેટ લગાવે છે અને કેન્દ્ર સરકાર તેના પર એક્સાઈઝ ડ્યૂટી વસુલે છે.

દરરરોજ 6 કલાકે કિંમતમાં ફેરફાર થાય છે

પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ સવારે છ કલાકે બદલાય છે. એટલે કે સવારે છ કલાકથી નવા દર લાગુ થઈ જાય છે. એક્સાઈઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ટેક્સ જોડ્યા બાદ પેટ્રોલ ડીઝલની કિંમત લગભગ બે ગણી થઈ જાય છે.

પેટ્રોલ ડીઝલની કિંમત દરરોજ સવારે 6 કલાકે અપડેટ થાય છે. પેટ્રોલ ડીઝલના રોજના રેટ SMS દ્વારા પણ જાણી શકો છે. ઇન્ડિયન ઓઈલના કસ્ટમર RSP લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલના ગ્રાહકો RSP લખીને 9223112222 નંબર પર મોકલી ભાવ જાણી શકે છે. જ્યારે એચપીસીએલના ગ્રાહકો HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.