જયપુર: રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય ઘમાસાણ વચ્ચે રાજ્યપાલ કલરાજ મિશ્રએ 14 ઓગસ્ટથી વિધાનસભા સત્ર બોલાવવાના સરકારના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. આ પહેલા આજે અશોક ગેહલોત કેબિનેટે વિધાનસભા સત્ર બોલાવા માટે સંશોધિત પ્રસ્તાવને મંજૂરી આપી હતી. તેમાં 14 ઓગસ્ટથી સત્ર બોલાવવાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો.


તેનાથી સત્ર બોલાવવા માટે 21 દિવસની સ્પષ્ટ નોટિસની અનિવાર્યતા પૂરી થઈ, જેના પર રાજ્યપાલ કલરાજ મિશ્ર વારંવાર જોર આપી રહ્યાં હતા, એક મંત્રીએ આશા વ્યક્ત કરી હતી કે ગતિરોધ જલ્દીજ સમાપ્ત થશે.

આ પહેલા રાજ્યપાલે સરકાર દ્વારા મોકલવામાં આવેલા સંશોધિત પ્રસ્તાવને બુધવારે ત્રીજી વખત પરત મોકલી દીધો હતો. તેમાં રાજ્યપાલે સરકારને પૂછ્યૂ હતું કે, કેઓ ટૂંકી મુદ્દતની નોટિસ પર સત્ર કેમ બોલાવવા માંગે છે તે સ્પષ્ટતા કરે. આ સાથે રાજ્યપાલે સરકારને કહ્યું હતું કે, જો તેમણે વિશ્વાસ મત મેળવવાનો છે તો આ જલ્દી એટલે અલ્પસૂચના પર સત્ર બોલાવવાનું કારણ હોઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે, વિધાનસભા સત્ર બોલાવવાને લઈને છેલ્લા કેટલાક દિવસથી રાજ્યપાલ અને મુખ્યમંત્રી ગેહલોત વચ્ચે ખેંચતાણ ચાલી રહી હતી. ગેહલોત સત્ર બોલવવાની માંગ કરી રહ્યાં હતા ત્યારે રાજ્યપાલ સરકારના પ્રસ્તાવના અસ્વીકાર કરી રહ્યાં હતા.