નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ રાજસ્થાન સરકાર પણ વિધાનસભામાં પ્રસ્તાવ લઇને આવશે. આ અગાઉ પંજાબ અને કેરલ સરકાર પણ વિધાનભામાં સીએએ વિરુદ્ધ પ્રસ્તાવ પાસ કરાવી ચૂકી છે. ગુરુવારે રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટે તેની જાહેરાત કરી છે. ગેહલોત સરકાર 24 જાન્યુઆરીથી શરૂ થઇ રહેલા બજેટ સત્ર દરમિયાન આ પ્રસ્તાવ રાજ્ય વિધાનસભામાં લાવશે.


નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટે કહ્યું કે તમામ લોકોને પોતાનો વિરોધ વ્યક્ત કરવાનો અધિકાર છે. અમારી સરકાર પણ નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ વિધાનસભામાં પ્રસ્તાવ લઇને આવશે. રાજસ્થાન સિવાય પશ્વિમ બંગાળની સરકાર પણ આ કાયદા વિરુદ્ધ પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી ચૂકી છે. રાજ્યના સંસદીય કાર્યમંત્રી પાર્થ ચેટર્જીએ કહ્યું કે, 27 જાન્યુઆરીના બપોરે બે વાગ્યે વિધાનસભાના વિશેષ સત્રમાં આ પ્રસ્તાવ લાવવામાં આવશે.
તે સિવાય કેરલ અને પંજાબની સરકાર આ કાયદાના વિરુદ્ધમાં પ્રસ્તાવ પાસ કરી ચૂકી છે. મહારાષ્ટ્ર સરકારે પણ સીએએ વિરુદ્ધ વિધાનસભામાં પ્રસ્તાવ પાસ કરવાનો નિર્ણય લીધો છે.