જોધપુર જેલમાં સજા કાપી રહેલા આસારામને રાજસ્થાન હાઈકોર્ટે મોટો ઝાટકો આપ્યો છે. હાઈકોર્ટે આસારામની વચગાળાની જામીન અરજી ફગાવી દીધી છે.  જેના પગલે આસારામની જેલ બહાર આવવાની શક્યતાઓને પણ મોટો ઝાટકો લાગ્યો છે. કોરોના સંક્રમણના કારણે હાલમાં આસારામ એઈમ્સ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. આસારામે સારવારનુ કારણ આગળ ધરીને જ બે મહિનાના વચગાળાના જામીન માંગ્યા હતા. જોકે કોર્ટે તેમની અરજી ફગાવી દીધી છે.


કોર્ટે અમદાવાદના મામલાનો હવાલો આપીને આ અરજી ફગાવી દીધી હતી. આસારામને લાંબા સમયથી બીજી પણ બીમારીઓ છે. જેની સારવાર કરાવવા માટે આસારામે કહ્યુ હતુ કે, હું મારી સારવાર આર્યુવેદિક પધ્ધતિથી કરવા માંગુ છું અને આ માટે મને બે મહિનાના જામીનની જરુર છે. કોર્ટે આ મામલાની સુનાવણીમાં એઈમ્સ હોસ્પિટલને આસારામનો મેડિકલ રિપોર્ટ રજૂ કરવા માટે પણ આદેશ આપ્યો હતો.


આસારામના વકીલે એ વાત પર જોર આપ્યું કે તેમને આયુર્વેદિક પદ્ધતિથી સારવારની જરુર છે અને તેમને જોધપુર આશ્રમમાં સ્થળાંતર કરવાનો અનુરોધ કર્યો.  વકીલે કહ્યું કે તેમના અનુયાયીઓ ત્યાં સારવારની વ્યવસ્થા કરશે. પરંતુ કોર્ટે આ અનુનરોધનો અસ્વીકાર કર્યો છે.


જોધપુર જેલમાં બંધ આસારામ કોરોના વાયરસથી સંક્રમિત થયો હતો. પાંચ મેના તેને એમજી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો અને બે દિવસ બાદ શ્વાસ લેવામાં તકલીફ થતા એઈમ્સ જોધપુરમાં દાખલ કરાયા હતા.  આસારામને 2018માં જોધપુરની કોર્ટે દુષ્કર્મના આરોપમાં ઉંમરકેદની સજા સંભળાવી છે.