નવી દિલ્હીઃ રાજસ્થાન માનવાધિકાર આયોગે લિવ-ઇન રિલેશનશીપને લઇને તુગલકી આદેશ કર્યો છે. રાજસ્થાન માનવાધિકાર આયોગે રાજ્ય સરકારને આદેશ કર્યો છે કે લિન-ઇન રિલેશનશીપ પર તત્કાળ પ્રતિબંધ લગાવવામાં આવે અને રોકવા માટે સરકાર ઉપાયો કરે. આયોગે કહ્યું કે, એનાથી સમાજમાં અનિતિ ફેલાઇ રહી છે.


રાજસ્થાન માનવાધિકાર આયોગે આજે એક ચોંકાવનારો આદેશ આપ્યો છે જેમાં સરકારને નિર્દેશ આપવામાં આવ્યા છે કે લિવ ઇન રિલેશનશીપ પર રોક લગાવવામાં આવે કારણ કે આ સમાજને વિખંડિત કરી રહી છે. મહિલા સુરક્ષા અધિનિયમ 2005ની અંદર મહિલાઓને વધુ સુરક્ષિત કરવાના ઉપાયો પર વિચાર કરતા માનવાધિકાર આયોગને જાણવા મળ્યુ કે આ અધિનિયમમાં સુધારાની જરૂર છે. લિવ ઇન રિલેશનશીપ જેવા સંબંધોને રોકવાની જરૂર છે.

તે સિવાય આયોગે રાજ્ય સરકારને કહ્યું કે લિવ ઇન રિલેશનશીપને રોકવા માટે રાજ્ય સરકાર કાયદો બનાવે અને આ રીતે કાયદો બનાવવા માટે કેન્દ્ર સરકારને પત્ર લખે. આયોગના મતે સમાજમાં લગ્નની પ્રકૃતિને સ્પષ્ટ નિર્દેશ હોવા જોઇએ જેનાથી મહિલા સન્માનપૂર્વક જીવી શકે. જો આ રીતે લિવ ઇન રીલેશનશીપના સંબંધ રાજ્યમાં હશે તો તેને જલદી રજીસ્ટ્રેશન કરવામાં આવે.