Rajasthan Deputy CM News: રાજસ્થાનમાં પણ નવા સીએમને લઈને સસ્પેન્સનો મંગળવારે અંત આવ્યો હતો. ભાજપના ધારાસભ્ય દળના નેતા ભજનલાલ શર્મા ચૂંટાયા છે. આ સાથે ભાજપે ફરી એકવાર આશ્ચર્યજનક નવા ચહેરાને તક આપી છે. દીયા કુમારી અને પ્રેમચંદ બૈરવા ડેપ્યુટી સીએમ બનશે. આ સાથે જ વાસુદેવ દેવનાની વિધાનસભાના અધ્યક્ષ બનશે.
કોણ છે દીયા કુમારી
રાજસ્થાનના ડેપ્યુટી સીએમ તરીકે દીયા કુમારીના નામની જાહેરાત થઈ છે. દીયા કુમારીએ રાજસ્થાનની વિદ્યાધર નગર વિધાનસભા બેઠક પર કોંગ્રેસના સીતારામ અગ્રવાલ સામે 71,368 મતોના માર્જિનથી જીત મેળવી હતી. દીયા કુમારી જયપુર રજવાડાના છેલ્લા શાસક મહારાજા માન સિંહ દ્વીતીય ની પૌત્રી છે. તે વર્ષ 2013માં ભાજપમાં જોડાઈ હતી. તેમણે 2013માં યોજાયેલી ચૂંટણીમાં કિરોરી લાલ મીણાને હરાવ્યા હતા. વર્ષ 2019 માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં, દીયા કુમારીએ રાજસમંદ મતવિસ્તારમાંથી 5.51 લાખ મતોના માર્જિનથી જીત મેળવી અને સંસદમાં પ્રવેશ કર્યો. જયપુરની રાજકુમારી દીયા કુમારીએ 2023ની વિધાનસભા ચૂંટણીમાં પોતાને જયપુરની પુત્રી અને સ્ટ્રીટ પ્રિન્સેસ તરીકે રજૂ કરી હતી અને લોકોને તેમને મત આપવા અપીલ કરી હતી. જયપુરના પૂર્વ રાજપરિવાર મહારાજા સવાઈ ભવાની સિંહ અને પદ્મિની દેવીની એકમાત્ર પુત્રી દીયા કુમારીનો જન્મ 30 જાન્યુઆરી, 1971ના રોજ થયો હતો. દીયા કુમારીએ નવી દિલ્હીની મોર્ડન સ્કૂલ, મુંબઈની જીડી સોમાની મેમોરિયલ સ્કૂલ અને જયયુપરની મહારાણી ગાયત્રી દેવી ગર્લ્સ પબ્લિક સ્કૂલથી અભ્યાસ કર્યો છે. તેણે લંડનમાં ડેકોરેટિવ આર્ટ્સનો કોર્સ પણ કર્યો છે. હાલ દીયા કુમારી રાજસ્થાન બીજેપી મહિલા મોરચાની પ્રદેશ પ્રભારી છે. રાજનીતિ ઉપરાંત તે પોતાનું એનજીઓ પણ ચલાવે છે.
કોણ છે પ્રેમચંદ બૈરવા
ડુડુ વિધાનસભા મતવિસ્તારમાંથી ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પર ચૂંટણી જીતીને ધારાસભ્ય બનેલા ડૉ.પ્રેમચંદ બૈરવાનું નામ પણ ડેપ્યુટી સીએમ તરીકે જાહેર થયું છે. આ વિધાનસભા ચૂંટણીમાં તેમણે કોંગ્રેસના ઉમેદવાર બાબુલાલ નાગરને 35,743 મતોના માર્જિનથી હરાવ્યા હતા. બૈરવને પાર્ટીના રાજસ્થાન યુનિટનો દલિત ચહેરો માનવામાં આવે છે. બૈરવાએ રાજસ્થાન યુનિવર્સિટી, જયપુરમાંથી પીએચડીની ડિગ્રી મેળવી છે.બૈરવા રાજસ્થાનના ડુડુ મતવિસ્તારના વર્તમાન ભાજપના ધારાસભ્ય છે. તેણે 2018માં હાર બાદ પુનરાગમન કર્યું છે. 49 વર્ષીય ધારાસભ્યએ 2023ની રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર બાબુલાલ નાગરને 35,743 મતોના માર્જિનથી હરાવીને બેઠક જીતી હતી. અગાઉ, બૈરવાએ 2013માં કોંગ્રેસના ઉમેદવાર હજારી લાલ નાગરને 33,720 મતોના માર્જિનથી હરાવીને ડુડુ મતવિસ્તાર જીતી હતી. જો કે, તેઓ 2018માં ડુડુ મતવિસ્તારમાંથી કોંગ્રેસના ઉમેદવાર બાબુ લાલ નાગર સામે 14,779 મતોના માર્જિનથી હારી ગયા હતા.
રાજસ્થાનની 200માંથી 199 બેઠકો માટે 3 ડિસેમ્બરે ચૂંટણીના પરિણામો જાહેર થયા હતા. ભાજપે 115 બેઠકો જીતીને બહુમતી હાંસલ કરવામાં સફળતા મેળવી હતી. રાજસ્થાન એ ત્રણ રાજ્યોમાંનું એક છે જ્યાં ભાજપે તાજેતરની ચૂંટણીમાં જીત મેળવી છે.
આ સાથે ભાજપે ત્રણ હિન્દીભાષી રાજ્યો છત્તીસગઢ, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવીને સીએમ ચૂંટ્યા છે. વિષ્ણુદેવ સાંઈ બુધવારે 13 ડિસેમ્બરે રાયપુરના સાયન્સ કોલેજ મેદાનમાં છત્તીસગઢના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. મધ્યપ્રદેશના મુખ્ય પ્રધાન-નિયુક્ત મોહન યાદવે સોમવારે કહ્યું કે નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ 13 ડિસેમ્બરે યોજાશે.