નવી દિલ્હીઃ રાજસ્થાનની રાજકીય ખેંચતાણ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે, રાજસ્થાનના ડેપ્યૂટી સીએમ પદ પરથી સચિન પાયલટને હટાવી દેવામાં આવ્યા છે. રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય ધમાસાનની વચ્ચે સચિન પાયલટને મનાવવાના તમામ પ્રયાસો વ્યર્થ સાબિત થયા, સચિન પાયલટ બળવાખોરીને કોંગ્રેસ મનાવી શકી નહી, અને અંતે કોંગ્રેસે બળવાખોરીને ધ્યાનમાં રાખીને સચિન પાયલટ પર મોટી એક્શન લીધી છે.


ખાસ વાત છે કે આજે ફરીથી ધારાસભ્ય દળની બેઠક પુરી થઇ પણ સચિન પાયલટ બેઠકમાં હાજર ન રહ્યાં. સાથે સાથે કોંગ્રેસ હાઇકમાન્ડે પહેલા જ નિર્ણય કરી લીધો હતો કે સચિન પાયલટ સાથે સમાધાન માટે કોઇ વાત નહીં કરવામાં આવે. જયપુરમાં કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠકમાં પ્રસ્તાવ પાસ કરી દેવામાં આવ્યો કે બળવાખોર ધારાસભ્યો પર અનુશાસનાત્મક કાર્યવાહી કરવામાં આવે.

સચિન પાયલટ વિરુદ્ધ અનુશાસનાત્મક કાર્યવાહી અંતર્ગત સચિન પાયલટ, વિશવેન્દ્ર સિંહ અને રમેશ મીણાને મંત્રી પદથી હટાવી દેવામાં આવ્યા છે.

રણદીપ સુરજેવાલાએ જાહેરાત કરી કે સચિન પાયલટને ઉપમુખ્યમંત્રી પદ પરથી મુક્ત કરવામાં આવે છે. એટલે કે સચિન પાયલટને રાજસ્થાનના ડેપ્યૂટી સીએમ પદ પરથી હટાવી લેવામાં આવ્યા છે.



કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે રાજસ્થાનમાં બીજેપીએ કાવતરુ રચ્યુ અને કોંગ્રેસના ધારાસભ્યોને ખરીદવાની કોશિશ કરી. બીજેપીએ ધન, બળ અને સત્તાના દુરપયોગ દ્વારા રાજસ્થાનની કોંગ્રેસ સરકારને પાડવાનુ કાવતરુ રચ્યુ હતુ.