Rajiv Gandhi Death Anniversary: કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી, પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પાર્ટીના અન્ય ઘણા નેતાઓએ શનિવારે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની પુણ્યતિથિ પર તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. કોંગ્રેસના નેતાઓએ આધુનિક ભારતના નિર્માણમાં રાજીવ ગાંધીના યોગદાનને પણ યાદ કર્યું હતું. પીએમ મોદીએ પણ રાજીવ ગાંધીની પુણ્યતિથિ પર ટ્વિટ કર્યું હતું.
પોતાના પિતાને યાદ કરતા રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું હતું કે, "મારા પિતા એક સ્વપ્નદ્રષ્ટા નેતા હતા, જેમની નીતિઓએ આધુનિક ભારતને આકાર આપવામાં મદદ કરી હતી. તેઓ દયાળુ વ્યક્તિ હતા. મારા અને પ્રિયંકા માટે એક અદ્ભુત પિતા હતા. જેમણે અમને માફી અને સહાનુભૂતિના મૂલ્ય વિશે સમજાવ્યું હતું. પ્રિયંકા ગાંધીએ રાહુલ ગાંધીના તેના પિતા વિશેના ટ્વીટને રીટ્વિટ કર્યું હતું.
પૂર્વ વડાપ્રધાનને શ્રદ્ધાંજલિ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વિટ કરીને લખ્યું કે, "જેની દૂરંદેશીના કારણે જ દેશ દુનિયાના સૌથી મોટા લોકતંત્રના સૌથી યુવા વડાપ્રધાન, આધુનિક ભારતના સ્વપ્નદ્રષ્ટા, કોમ્પ્યુટર યુગમાં પ્રવેશ્યો. ભારત રત્ન, ભૂતપૂર્વ વડા પ્રધાન સ્વ. રાજીવ ગાંધીની પુણ્યતિથિ પર તેમને 100 સલામ." કોંગ્રેસના અન્ય કેટલાક નેતાઓએ પણ રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી.
કોંગ્રેસના નેતા પી.ચિદમ્બરમ અને સચિન પાયલટે પણ વીર ભૂમિ પહોંચીને રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી.સચિન પાયલટે ટ્વિટ કર્યું હતું કે, "21મી સદીના આધુનિક ભારતના આર્કિટેક્ટ અને પૂર્વ વડાપ્રધાન જેમણે ભારતમાં કમ્પ્યુટર અને ટેલિકમ્યુનિકેશન ક્રાંતિનો પાયો નાખ્યો હતો. રાજીવ ગાંધીની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ, આધુનિક વિચારસરણી અને દૂરંદેશીથી દેશને નવી દિશા આપનાર રાજીવજી હંમેશા આપણા સૌની પ્રેરણા બની રહેશે."
રાજીવ ગાંધીનો જન્મ 20 ઓગસ્ટ, 1944ના રોજ થયો હતો. તેમણે ૧૯૮૪ થી ૧૯૮૯ સુધી વડા પ્રધાન તરીકે દેશનું નેતૃત્વ કર્યું હતું. 21 મે, 1991ના રોજ તમિલનાડુમાં લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન તેમની હત્યા કરવામાં આવી હતી.