નવી દિલ્લી: સળગતી કશ્મીર ઘાટીને શાંત કરવા માટે ગૃહમંત્રી રાજનાથ સિંહ આજથી બે દિવસની કશ્મીર મુલાકાતે છે. સરકારને માહિતી મળી છે કે ઘાટીના અલગતાવાદીઓ યુવકોને પૈસા આપીને પથ્થર ફેંકવા ઉશ્કેરી રહ્યા છે. આ દરમિયાન ગૃહમંત્રી ત્યાંની પરિસ્થિતિની  સમિક્ષા કરશે. ગૃહમંત્રી સાથે ગૃહસચિવ સાથે અન્ય વરિષ્ઠ અધિકારીઓનું દળ પણ સાથે હશે.

આ બે દિવસમાં ગૃહમંત્રી ઘાટીમાં શાંતિ માટે તમામ પક્ષો સાથે વાત-ચીત કરશે. શું તેઓ અલગતાવાદીઓ સાથે વાત કરશે તેના જવાબમાં ગૃહમંત્રાલયે જવાબ આપ્યો કે જે લોકો દેશના સંવિધાનમાં વિશ્વાસ રાખશે તે તમામ સાથે વાત કરવા તેઓ તૈયાર છે.

સૂત્રો અનુસાર સરકારને ખબર પડી છે કે અલગતાવાદીઓ કશ્મીરના યુવકોને પથ્થર મારવા માટે 300થી 700 રૂપિયા આપે છે.

સરકાર માને છે કે યુવકો પાસે કામ નથી માટે અલગતાવાદીઓ પૈસાની લાલચ આપીને તેમની પાસે પથ્થરમારો કરાવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે સુરક્ષાબળો સાથે એન્કાઉંટરમાં હિજબુલ મુજાહીદ્દીનના આતંકી બુરહાન વાનીનું 8 જુલાઈના રોજ મોત થતાં ફેલાયેલી અશાંતિ દરમિયાન રાજનાથ સિંહ બીજી વાર કશ્મીર જઈ રહ્યા છે. જમ્મુ-કશ્મીરમાં હિંસાની ઘટનાઓમાં બે પોલીસ અધિકારીઓ સહિત 65 લોકોના મોત થયા છે, અને હજારો લોકો ઘાયલ થયા છે.