નવી દિલ્હી: લદ્દાખમાં ચીન વિરુદ્ધ સેનાની તૈયારીઓનું નિરીક્ષણ કરવા પહોંચેલા રક્ષામંત્રી રાજનાથ સિંહે આજે જમ્મુ-કાશ્મીરમાં બાબા અમરનાથ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. આ સાથે સાથે શ્રદ્ધાળુઓ માટે કરવામાં આવેલી તૈયારીઓનું પણ નિરીક્ષણ કયુ હતું. રક્ષામંત્રી રાજનાથસિંહનો આ પ્રવાસ એટલા માટે મહત્ત્વનો છે કેમ કે એક દિવસ પહેલાં જ સેનાએ કહ્યું હતું કે આતંકીઓ અમરનાથ યાત્રાને નિશાન બનાવવાનું કાવતરું ઘડી રહ્યા છે.



અમરનાથ યાત્રા 21 જૂલાઈએ શરૂ થવા જઈ રહી છે અને 3 ઓગસ્ટે રક્ષાબંધનના દિવસે પૂર્ણ થશે. કોરોના વાયરસને કારણે આ વખતે અત્યતં મર્યાદિત સંખ્યામાં શ્રદ્ધાળુઓને દર્શન કરવાની તક અપાશે. ભારત અને ચીન વચ્ચે પાંચ મેએ થયેલી અથડામણ બાદ રક્ષામંત્રી પહેલી વખત લદ્દાખ પહોંચ્યા હતા.

રક્ષા મંત્રી રાજનાથ સિંહ સાથે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત અને થલસેના પ્રમુખ જનરલ એમએમ નરવણે પણ હાજર રહ્યા. તમામે સુરક્ષા વ્યવસ્થાની જાણકારી મેળવી હતી.

અમરનાથ યાત્રાને નિશાન બનાવવા માટે આતંકીઓ દ્રારા કાવતરું રચાઈ રહ્યાની બાતમી ગુપ્તચર એજન્સીને મળી છે. સેનાના એક અધિકારીએ કહ્યું કે વાર્ષિક યાત્રા કોઈ પણ જાતની અડચણ વગર પૂર્ણ કરાવવા માટે સેના તૈયાર છે.