નવી દિલ્હી: દેશના આઠ રાજ્યોની 19 રાજ્યસભા બેઠકો પર શુક્રવારે મતદાન થયું હતું. તમામ બેઠકોના પરિણામ પણ સામે આવી ગયા છે. રાજ્યસભા સાંસદની આ ચૂંટણીમાં કેટલાક રાજ્યોમાં ભાજપ કૉંગ્રેસ વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળી હતી. ભાજપને ગુજરાતમાં ત્રણ અને મધ્યપ્રદેશમાં બે બેઠકો મળી છે, જ્યારે કૉંગ્રેસને રાજસ્થાનમાં બે અને ગુજરાત-મધ્યપ્રદેશમાં એક-એક બેઠક મળી છે.


મધ્યપ્રદેશમાં દિગ્વિજય સિંહે મેળવ્યા સૌથી વધુ મત
કૉંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહને મધ્યપ્રદેશમાં સૌથી વધુ મત મળ્યા છે. તેમને 57 મત સાથે પ્રથમ સ્થાન મેળવ્યું છે. જ્યારે કૉંગ્રેસમાંથી ભાજપમાં સામેલ થયેલા જ્યોતિરાદિત્ય સિંધિયાને 56 અને ભાજપના સુમેર સિંહ સોલંકીને 55 મત મળ્યા છે. ચૂંટણીમાં ક્રૉસ વોટિંગ પણ થયું. ભાજપના ધારાસભ્ય ગોપીલાલ જાટવે પોતાની પાર્ટીના ઉમેદવારની જગ્યાએ કૉંગ્રેસ ઉમેદવારને મત આપ્યો હતો.

ગુજરાતની ચાર રાજ્યસભા બેઠકો પર થયેલી ચૂંટણીમાં ભાજપને મોટી સફળતા મળી છે. ભાજપના ઉમેદવાર અભય ભારદ્વાજ, રમિલાબેન બારા અને નરહરી અમીનની જીત મળી છે.જ્યારે કૉંગ્રેસના શક્તિસિંહ ગોહિલની જીત થઈ છે. કૉંગ્રેસના ઉમેદવાર ભરતસિંહ સોલંકીની હાર થઈ હતી.

મણિપુરની એકમાત્ર બેઠક પર થયેલી ચૂંટણીમાં ભાજપને સફળતા મળી છે. અહીં કૉંગ્રેસ અને ભાજપ વચ્ચે કાંટે કી ટક્કર થઈ હતી. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ રામમાધવે જણાવ્યું કે મણિપુરમાં ભાજપના ઉમેદવારને 28 અને કૉંગ્રેસના ઉમેદવારને 24 મત મળ્યા છે. અહીં ભાજપના લેસેમ્બા સનાજઓબાને જીત મળી છે.

ઝારખંડથી દીપક પ્રકાશ અને મેધાલયથી ડૉ ડબ્લ્યૂ આર ખરલુખીને જીત મળી છે.

મેધાલયમાં નેશનલ પીપુલ્સ પાર્ટીના ઉમેદવારને જીત મળી છે. અહીં ડૉ ડબ્લ્યૂ આર ખરલુખીને જીત મળી છે. જ્યારે ઝારખંડમાં બે બેઠકો પર થયેલી ચૂંટણીમાં એક બેઠક પર ભાજપને જીત મળી જ્યારે એક બેઠક પર જેએમએમને જીત મળી છે. અહીં ભાજપમાંથી દીપક પ્રકાશ અને જેએમએમમાંથી શિબૂ સોરેન રાજ્યસભા માટે ચૂંટાયા છે.

આંધ્ર પ્રદેશની ચારેય બેઠકો પર વાઈએસઆરનો કબજો

આંધ્ર પ્રદેશમાં રાજ્યસભાની તમામ ચાર બેઠક વાઈએસઆર કૉંગ્રેસ પાર્ટીના ઉમેદવારોએ જીત મેળવી છે. જેમાં દિગ્ગજ નેતા પરિમલ નથવાણીએ શાનદાર જીત મેળવી છે.

રાજસ્થાનમાં કૉંગ્રેસને મળી મોટી સફળતા
રાજસ્થાનમાં રાજ્યસભાની ત્રણ બેઠકો પર ચૂંટણી થઈ હતી. અહીં ભાજપને એક અને કૉંગ્રેસને બે બેઠકો પર જીત મળી હતી. કૉંગ્રેસમાંથી કેસી વેણુગોપાલ અને નીરજ ડાંગી રાજ્યસભા માટે ચૂંટાયા છે. ભાજપમાંથી રાજેંદ્ર ગહલોતને જીત મળી.

વાનલાલવેનાએ મિઝોરમથી જીત મેળવી
મિઝોરમની એકમાત્ર બેઠક પર રાજ્યસભા માટે મિઝો નેશનલ ફ્રંટ (એમએનએફ)ના વાનલાલવેનાએ જીત મેળવી છે. વાનલાલવેનાને 39માંથી 27 મત મળ્યા છે.