સવર્ણ અનામત બિલ પાસ કરાવવા એક દિવસ વધારવામાં આવ્યું રાજ્યસભાનું સત્ર
abpasmita.in | 07 Jan 2019 09:09 PM (IST)
નવી દિલ્હીઃ રાજ્યસભાના શિયાળુ સત્રનો એક દિવસ વધારી દેવામાં આવ્યો છે. વાસ્તવમાં સંસદનું શિયાળુ સત્ર મંગળવારના રોજ પૂર્ણ થઇ રહ્યું છે. એવામાં સોમવારે સાંજે રાજ્યસભાના સત્રમાં એક દિવસનો વધારો કરવામાં આવ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે સરકાર પોતાના મહત્વાકાંક્ષી સવર્ણ અનામત બિલને પાસ કરાવવા માંગે છે જેને કારણે રાજ્યસભાના શિયાળુ સત્રમાં એક દિવસનો વધારો કરવામાં આવ્યો છે. આ વચ્ચે કોગ્રેસ અને ભાજપે પોતાના તમામ લોકસભા સાંસદોને મંગળવારે સંસદમાં હાજર રહેવા માટે વ્હીપ જાહેર કર્યું છે.ભાજપે ત્રણ લાઇનમાં વ્હીપ જાહેર કરતા લખ્યું કે, પાર્ટીના તમામ લોકસભા સભ્યોને મંગળવારે સંસદમાં હાજર રહેવાનું કહેવામાં આવ્યું છે. નોંધનીય છે કે ટૂંક સમયમાં લોકસભા ચૂંટણી યોજાવાની છે. એવામાં તે ભાજપ માટે અંતિમ સંસદીય સત્ર છે. રાજકીય નિષ્ણાંતોના મતે ભાજપ મંગળવારે લોકસભામાં સવર્ણ અનામત બિલ રજૂ કરી શકે છે. સરકારના પ્રયાસ રહેશે કે આ બિલને લોકસભામાં મંગળવારે જ પાસ કરી દેવામાં આવે અને બુધવારે રાજ્યસભામાં તેને પાસ કરાવવાનો પ્રયાસ કરવામાં આવશે જેથી સવર્ણ અનામત બિલ પર લોકસભા ચૂંટણીમાં ફાયદો મેળવી શકાય.