નવી દિલ્હી:   BSFના ડાયરેક્ટર જનરલ રાકેશ અસ્થાનાને દિલ્હીના પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા છે. ગુજરાત કેડરના 1984 બેંચના આઈપીએસ અધિકારી રાકેશ અસ્થાનાને બીએસએફના ડીજીમાંથી  બદલી કરી દિલ્હીના નવા પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા છે. રાકેશ અસ્થાનાને સેવાનિવૃત થવાના ત્રણ દિવસ પહેલા દિલ્હી પોલીસ કમિશનરની કમાન મળી છે. આ માટે સરકારે સત્તાવાર આદેશ જારી કરી દીધો છે. 



રાકેશ અસ્થાનાની દિલ્હી પોલીસ કમિશનર તરીકે નિમણૂક થયા બાદ આઇટીબીપીના ડાયરેક્ટર જનરલ એસ. સેસ્વાલને બોર્ડર સિક્યુરિટી ફોર્સના ડીજી પદનો વધારાનો હવાલો સોંપાયો છે.


આઈપીએસ અધિકારી રાકેશ અસ્થાના ઝારખંડના નેતરહાટ વિદ્યાલયથી ભણેલા છે. 1984ની બેચના આઈપીએસ અધિકારી અસ્થાનાના પિતા હરે કૃષ્ણ અસ્થાના નેતરહાટ વિદ્યાલયમાં શિક્ષક હતા. મેટ્રિકની પરીક્ષા પાસ કર્યા બાદ અસ્થાનાએ રાંચીની સેન્ટ ઝેવિયર કોલેજમાંથી શિક્ષણ મેળવ્યુ હતું. આઈપીએસ અધિકારી તરીકે પસંદગી થયા બાદ ગુજરાત કેડર મળી હતી.  બિહારમાં ચારા કૌભાંડ સંબંધિત મામલાની તપાસમાં પણ રાકેશ અસ્થાનાની મહત્વની ભૂમિકા રહી હતી. 


CBI માં રહેતા ચારા કૌભાંડની તપાસ તેમના નેતૃત્વમાં કરવામાં આવી હતી. સીબીઆઈમાં રહેતા તત્કાલીન ડાયરેક્ટર આલોક વર્મા સાથે થયેલા વિવાદ બાદ રાકેશ અસ્થાના ચર્ચામાં આવ્યા હતા, ત્યારબાદ તેમની બદલી કરી દેવામાં આવી હતી.