નવી દિલ્લીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશને સંબોધન કરતાં ત્રણેય કૃષિ કાયદા પાછા ખેંચવાની જાહેરાત કરી હતી. મોદીએ આ જાહેરાત કરતાં કૃષિ કાયદા સામે આંદોલન કરી રહેલા ખેડૂતોને ખેડૂતોને અપીલ કરી હતી કે, તમે તમારા ઘરે, તમારાં ખેતરોમાં પાછા ફરો. તમારા પરિવાર વચ્ચે પાછા જાઓ અને એક નવી શરૂઆત કરો.






જો કે કૃષિ કાયદા સામે આંદોલન ચલાવી રહેલા ખેડૂતોના સૌથી મોટા નેતા રાકેશ ટિકૈતે આંદોલન પાછું ખેંચવા ઈન્કાર કરી દીધો છે. સંયુક્ત કિસાન મોરચાના સૌથી મોટા ઘટક ભારતીય કિસાન યુનિયનના વડા રાકેશ ટિકૈતે ટ્વિટ કરીને એલાન કર્યું કે, ખેડૂત આંદોલન તાત્કાલિક પાછું નહીં ખેંચાય, અમે એ દિવસની રાહ જોઈશું કે જ્યારે કૃષિ કાયદાઓને સંસદમાં રદ કરીને પાછા ખેંચવામાં આવે. અમે ત્યાં સુધી સરકાર સાથે લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી) સહિતના ખેડૂતોને સ્પર્શતા બીજા મુદ્દા અંગે સરકાર સાથે વાતચીત કરીશું.


મોદીએ દેશને સંબોધન કરતાં ત્રણેય કૃષિ કાયદા પાછા ખેંચવાની જાહેરાત કરી હતી. મોદીએ કહ્યું કે, કૃષિ કાયદા મુદ્દે અમે લોકોને સમજાવવાનો બહુ પ્રયત્ન કર્યો પણ ખેડૂતોનો એક વર્ગ આ કાયદાની વિરૂધ્ધ હતો તેથી અમે આ કાયદા પાછા ખેંચવા નિર્ણય લીધો છે. મોદીએ કહ્યું કે, હું દેશનાં લોકોને એ જણાવવા આવ્યો છું કે, અમે ત્રણ કૃષિ કાયદા પાછા ખેંચવાનો નિર્ણય લીધો છે.


મોદીએ આ જાહેરાત કરતાં કૃષિ કાયદા સામે આંદોલન કરી રહેલા ખેડૂતોને ખેડૂતોને અપીલ કરી હતી કે, તમે તમારા ઘરે, તમારાં ખેતરોમાં પાછા ફરો. તમારા પરિવાર વચ્ચે પાછા જાઓ અને એક નવી શરૂઆત કરો.


મોદીએ કહ્યું, નાના ખેડૂતોને ફાયદો કરાવવા તથા ખેતીમાં સુધારો કરવા માટે ત્રણ કૃષિ કાયદા લાવવામાં આવ્યા. નાના ખેડૂતોને વધુ પાવર મળે એ માટે આ કાયદા લવાયા હતા.  વર્ષોથી આ પ્રકારના સુધારા કરવાની માંગ દેશના ખેડૂતો અને નિષ્ણાતો, અર્થશાસ્ત્રીઓ દ્વારા કરવામાં આવી રહી હતી.