નવી દિલ્હીઃ દેશમાં 2019 લોકસભા ચૂંટણી પહેલા રામ મંદિરનો મુદ્દો ફરી ગરમાયો છે. રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ અને વિશ્વ હિન્દુ પરિષદે રામ મંદિરને લઈ આંદોલન વેગવંતુ કર્યું છે. આ દરમિયાન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ બીજેપી પર નિશાન સાધ્યું છે.


એક જનસભાને સંબોધતા તેમણે કહ્યું કે, બીજેપી રામની નહીં રાવણની પૂજા કરે છે અને લકો વચ્ચે મતભેદ પેદા કરવાનું કામ કરે છે. બીજેપી ભગવાનના નામ પર લોકોમાં ભાગલા પડાવે છે. જે લોકો રામની વાત કરે છે તેમને હું કહેવા માંગુ છું કે અમે તેના પહેલાથી મા દુર્ગાની પૂજા કરીએ છીએ.

તૃણમુલ કોંગ્રેસના અધ્યક્ષ મમતા બેનર્જીએ કહ્યું કે, અમે વોટ માટે ભગવાનના નામને નથી વેચતા અને તેમની પાર્ટી ભગવાનના નામ પર વોટ મેળવવાની કોશિશ પણ નથી કરતી. અમારી પાર્ટી સર્વધર્મ સમભાવમાં માને છે અને લોકોને તેમના ધર્મ અને વિશ્વાસના આધારે નથી વહેંચતી.

ઉલ્લેખનીય છે કે રામ મંદિર મુદ્દે આરએસએસ પણ મેદાનમાં આવ્યું છે. 2019 લોકસભા ચૂંટણી પહેલા સંઘે પ્લાન-4 તૈયાર કર્યો છે. જે અંતર્ગત વીએચપીના નેતૃત્વમાં ન માત્ર ધર્મસંસદ થશે પરંતુ દેશભરમાં સાધુ સંતો પણ આંદોલન કરશે. સંઘના પ્લાન મુજબ 9 ડિસેમ્બરે દિલ્હીમાં વીએચપીની મોટી સભા યોજાશે અને 18 ડિસેમ્બરે વીએચપી રાષ્ટ્રવ્યાપી પૂજા-હવન કરશે.