નવી દિલ્હી: રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની પ્રથમ ઔપચારિક બેઠક બુધવારે દિલ્હીમાં પરાસરનના ઘરે મળી હતી. જેમાં મહંત નૃત્ય ગોપાલ દાસને રામ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ અને વીએચપી નેતા ચંપત રાયને મહામંત્રી નિયુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે વડાપ્રધાન મોદીના પૂર્વ મુખ્ય સચિવ રહેલા નૃપેન્દ્ર મિશ્રા ભવન નિર્માણ સમિતિના ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ટ્રસ્ટના કોષાધ્યક્ષ ગોવિંદ ગિરીને બનાવવામાં આવ્યા છે. આ બેઠકમાં 9 પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યા છે.


સાથે ભવન નિર્માણ કમિટી પણ બનાવવામાં આવી છે, જેના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાને બનાવવામાં આવ્યા છે. કમેટીના રિપોર્ટ બાદ મંદિર નિર્માણની તારીખ નક્કી કરવામાં આવશે. ચંપત રાયે કહ્યું કે બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે કે, અયોધ્યામાં ભારતીય સ્ટેટ બેન્કની શાખામાં ટ્રસ્ટનું બેન્ક ખાતુ ખોલવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટના આદેશ બાદ કેન્દ્ર સરકાર દ્વારા રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની રચના કરવામાં આવી હતી. મોદી કેબિનેટમાં રામ મંદિર ટ્રસ્ટને મંજૂરી આપવામાં આવી હતી. તેના બાદ ટ્ર્સ્ટના સભ્યોના નામની પણ જાહેરાત કરવામાં આવી હતી. જેમાં 15 સભ્યના નામની જાહેરાત કરવામાં આવી હતી.


રામ મંદિરનું નિર્માણ થાય ત્યાં સુધી રામલલાને બુલેટપ્રુફ કૉટેજમાં રાખવામાં આવશે. આ કૉટેજ જર્મન પાઈનથી બનાવવામાં આવ્યું છે. અયોધ્યાના સાધુ સંત આ વાતની ચિંતા વ્યક્ત કરી રહ્યાં છે કે, રામલલાને ટેન્ટમાંથી હટાવીને અન્ય સ્થળે ખસેડવામાં આવે, જ્યાંથી લોકો સારી રીતે તેમનું પૂજા અર્ચના કરી શકે.