નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે શાહીન બાગમાં પ્રદર્શન કરી રહેલા પ્રદર્શનકારીઓ સાથે વાતચીત કરવા માટે બે વાર્તાકાર સંજય હેગડે અને સાધના રામચંદ્રનની નિમણૂક કરી હતી અને આજે તેઓ શાહીન બાગ પહોંચ્યા છે. સંજય હેગડે અને સાધના રામચંદ્રન શાહીન બાગ પહોંચ્યા હતા અને લોકો સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો હતો. શાહીન બાગમાં લોકો છેલ્લા 67 દિવસથી નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં પ્રદર્શન કરી રહ્યા છે.
સંજય હેગડેએ કહ્યું કે, અમે તમને સાંભળવા આવ્યા છીએ અને તમે લોકો આરામથી બેસો. અમને કોઇ ઉતાવળ નથી અને અમે તમારી આખી વાત સાંભળીશું. સુપ્રીમ કોર્ટે અમને કહ્યું છે કે તમારી સાથે આવીને વાત કરીએ અને હું અને સાધના રામચંદ્રન તમારી સાથે વાતચીત કરવા આવ્યા છીએ.
સાધના રામચંદ્રને શાહીન બાગના લોકોનુ અભિવાદન કર્યું હતું અને તેમને નમસ્કાર કર્યા હતા. જોકે, તેમણે લોકોને શાંત રહેવાની અપીલ કરતા કહ્યું કે આવા માહોલમાં વાતચીત થઇ શકશે નહીં.
સંજય હેગડેએ શાહીન બાગના પ્રદર્શન મંચ પર સુપ્રીમ કોર્ટનો ચુકાદો વાંચીને લોકોને સંભળાવ્યો હતો. તેમણે કહ્યું કે, સુપ્રીમ કોર્ટે કહ્યુ છે કે તમને આંદોલનનો અધિકાર છે. તમારી જેમ અન્ય પણ નાગરિકો છે. બે દુકાનદાર અને નાગરિક છે જેમના પણ અધિકાર છે. બાળકોને સ્કૂલ જવાનો હક છે. તમામના હકનું રક્ષણ થવું જોઇએ.
સાધના રામચંદ્રને કહ્યું કે સુપ્રીમ કોર્ટે અમને તમારી સાથે મળીને કોઇ ઉકેલ કાઢવા મોકલ્યા છે. અમે મીડિયા વિના વાતચીત કરીશું. નોંધનીય છે કે શાહીન બાગ પ્રદર્શન કાલિંદી કુંજ રોડ પર ચાલી રહ્યો છે જે નોઇડા અને દિલ્હીને જોડે છે. પ્રદર્શનને કારણે અનેક દિવસોથી અનેક શો રૂમ અને દુકાનો બંધ છે.