નવી દિલ્હીઃ રામ મંદિર ટ્રસ્ટના સભ્યોએ આજે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી. સૂત્રોના મતે તેમણે વડાપ્રધાન મોદીને રામ મંદિરના ભૂમિ પૂજનમાં સામેલ થવાનું આમંત્રણ આપ્યું હતુ. સૂત્રોના મતે વડાપ્રધાન મોદીએ કહ્યું કે, તે તેના પર વિચાર કરશે. રામ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ નૃત્ય ગોપાલ દાસ, ચંપત રાય, કે પરાસરણ અને ગોવિંદ દેવ ગિરી મહારાજે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી.
નોંધનીય છે કે બુધવારે રામ મંદિર નિર્માણ માટે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની પ્રથમ બેઠક મળી હતી. બેઠકમાં નૃત્ય ગોપાલ દાસને રામ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. જ્યારે વિશ્વ હિંદુ પરિષદના ચંપત રાયને મહામંત્રી પસંદ કરાયા. સ્વામી ગોવિંદ દેવ ગિરિજીને કોષાધ્યક્ષ બનાવાયા હતા. આ સાથે ભવન નિર્માણ કમિટી બનાવવામાં આવી જેના અધ્યક્ષ વડાપ્રધાન મોદીના પૂર્વ પ્રધાન સચિવ નૃપેન્દ્ર મિશ્રાને બનાવવામાં આવ્યા હતા.


તે સિવાય ટ્રસ્ટનું બેન્ક એકાઉન્ટ એસબીઆઇમાં ખોલવામાં આવશે. આ બેઠક સુપ્રીમ કોર્ટના સીનિયર વકીલ પરાસરણના દિલ્હી સ્થિત ઘર આર-20, ગ્રેટર કૈલાશ-1માં થઇ હતી. પરાસરણનું ઘર ટ્રસ્ટનું સ્થાયી સરનામું જાહેર કરાયું છે. જ્યાં સુધી ભવ્ય રામ મંદિર નહી બને ત્યાં સુધી રામલલાને બુલેટપ્રૂફ કોટેજ બનાવવામાં આવશે. આ કોટેજ જર્મન પાઇનથી બનશે.