નવી દિલ્હીઃ અયોધ્યામાં રામ મંદિરના નિર્માણની ચર્ચા એકવાર ફરી શરૂ થઇ ગઇ છે. શનિવારે રામ જન્મભૂમિ ન્યાસના પ્રેસિડેન્ટ રામદાસ વેદાંતીએ કહ્યું કે, અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ ડિસેમ્બરમાં શરૂ થઇ જશે. વેદાંતીએ વધુમાં કહ્યું કે, રામ મંદિરનું નિર્માણ કોઇ પણ પ્રકારના વટહુકમ વિના પરસ્પર સહમતિથી અયોધ્યામાં કરવામાં આવશે જ્યારે મસ્જિદ લખનઉમાં બનાવવામાં આવશે.
બીજી તરફ યોગ ગુરુ રામદેવે કહ્યું હતું કે, જો સુપ્રીમ કોર્ટના નિર્ણયમાં મોડું થશે તો સંસદમાં જરૂર આ અંગેનું બિલ આવશે, આવવું જ જોઇએ. રામ જન્મભૂમિ પર રામ મંદિર નહી બને તો કોનું બનશે? રામભક્તોએ સંકલ્પ કર્યો છે કે હવે રામ મંદિરમાં વધુ મોડું થશે નહીં. મને લાગે છે કે આ વર્ષે શુભ સમાચાર દેશને મળશે.
બીજી તરફ એવા પણ રિપોર્ટ આવ્યા છે કે હવે દુનિયાની સૌથી ઉંચી મૂર્તિ ભગવાન શ્રીરામની અયોધ્યામાં સ્થાપિત કરવામાં આવશે. દિવાળી પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તેની જાહેરાત કરી શકે છે. સૂત્રોના મતે અયોધ્યામાં ભગવાન શ્રીરામની મૂર્તિ સરદાર વલ્લભભાઇ પટેલની મૂર્તિનો રેકોર્ડ તોડશે. આ મૂર્તિની ઉંચાઇ 151 મીટરની હશે અને 50 મીટર પૈડસ્ટલ હશે. રાષ્ટ્રીય સ્વયંસેવર સંઘે પણ રામ મંદિરના નિર્માણને લઇને આંદોલન કરવાનો ઇશારો કર્યો હતો.