નવી દિલ્હીઃ પૂર્વ કેન્દ્રિય મંત્રી એમ જે અકબર પર રેપનો આરોપ લગાવનારી અમેરિકન મહિલા પત્રકારે અકબરના નિવેદન બાદ વળતો પ્રહાર કર્યો છે. અકબરે ગઇકાલે નિવેદન આપ્યુ હતું કે, તેમની વચ્ચે જે કાંઇ થયું હતું તે સહમતિથી થયું હતું. અમેરિકન પત્રકારે અકબરના નિવેદનને ખોટું ગણાવ્યું હતું. નોંધનીય છે કે શુક્રવારે વોશિંગ્ટન પોસ્ટમાં લખેલા એક લેખમાં જણાવ્યું હતું કે કઇ રીતે અકબરે તેમની સાથએ રેપ કર્યો હતો. તે સમયે અકબર ધ એશિયન એજના એડિટર હતા. મહિલા પત્રકારે અકબર સાથે કામ કરતી હતી અને તે સમયે કરેલા રેપની વિગતો જણાવી હતી.
મહિલા પત્રકારે જણાવ્યું કે, મારી સાથે જે ખોટો વ્યવહાર કરવાની અને અન્ય યુવા મહિલાઓને પોતાનો શિકાર બનાવવાની જવાબદારી લેવાને બદલે અકબર કહી રહ્યા છે કે સંબંધ સહમતિથી થયા છે પણ એવું કાંઇ નથી. તેણે અકબર નિશાન સાધતા કહ્યું કે, આ એક એવો સંબંધ હતો કે ડર પેદા કરી સત્તાનો ખોટો ઉપયોગ કરી બાંધવામાં આવ્યો હતો જેથી તે સહમતિથી બાંધવામાં આવેલો સંબંધ કહી શકાય નહીં. મે જે પણ વાતો મારા લેખમાં લખી તે વાત પર હું અડગ છું. હું સત્ય બોલવાનું ચાલુ રાખીશ જેથી તેના દ્ધારા સતાવવામાં આવેલી મહિલાઓને અહેસાસ થાય કે તેઓ આગળ આવીને સચ્ચાઇ બતાવે.