નવી દિલ્હીઃ કોરોના વાયરસના સંકટ વચ્ચે વિદેશમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે સરકારે વંદે ભારત મિશન શરૂ કર્યો છે. જેનો હાલ બીજો તબક્કો ચાલી રહ્યો છે.

વંદે ભારત મિશન અંતર્ગત આજે 224 ભારતીય પેસેન્જર્સ એર ઈન્ડિયાના ફ્લાઇટમાં સિડનીથી દિલ્હી આવવા ઉડાન ભરશે તેમ ઓસ્ટ્રેલિયામાં ભારતના હાઈકમિશને જણાવ્યું છે. ભારત પહોંચ્યા બાદ આ લોકોની ઈમિગ્રેશન તથા કસ્ટમની પ્રક્રિયા પૂરી થયા પછી તેમને ક્વોરન્ટાઈન કરવામાં આવશે.


વંદે ભારત મિશનમાં વિદેશમાં ફસાયેલા ભારતીયોને એર ઈન્ડિયા અને તેની સહાયક કંપની એર ઈન્ડિયા એક્સપ્રેસ દ્વારા સ્વદેશ લાવવામાં આવી રહ્યા છે. આ મિશનનો પ્રથમ તબક્કો 7 મેથી 14 મે સુધી ચાલ્યો હતો. જેમાં 64 ફ્લાઇટની મદદથી 12 દેશોમાં ફસાયેલા 14,800 ભારતીયોને પરત લાવવામાં આવ્યા હતા. બીજો તબક્કો 16 મે થી 22 મે સુધી ચાલશે. જેમાં 149 ફ્લાઇટની મદદથી 31 દેશોમાંથી ભારતીયોને સ્વદેશ લાવવામાં આવશે.