નવી દિલ્હી: જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલાના કારણે સમગ્ર દેશ હચમચી ગયો છે. આજે આ હુમલો ત્યારે થયો જ્યારે સીઆરપીએફના જવાનોને શ્રીનગરથી પુલવામામાં લઈ જવામાં આવી રહ્યા હતા. ન્યૂઝ એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર આશરે 30 થી વધુ જવાનો આ હુમલામાં શહીદ થયા છે અને 20થી વધારે ઘાયલ થયા છે. કૉંગ્રેસે આ હુમલાની નિંદા કરી છે. કૉંગ્રેસે મોદી સરકાર પર નિશાન સાધતા કહ્યું, આખરે 56 ઈંચની છાતી ક્યારે જવાબ આપશે ?

કૉંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું, આ હુમલાની અમે નિંદા કરીએ છીએ. અમે શહીદ જવાનોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ. મોદી સરકારના છેલ્લા 5 વર્ષમાં આ 18 મો સૌથી મોટી આતંકી હુમલો છે. 56 ઈંચની છાતી ક્યારે જવાબ આપશે? તેમણે કહ્યું, હવે દેશની ધીરજ તુટી ગઈ છે અને દેશ જાણવા માંગે છે કે હવે મોદીજી શું કરશે? તમે દેશને જવાબ આપો.

ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરના પુલવામાના અવંતીપુરમાં આ હુમલો ત્યારે થયો જ્યારે સીઆરપીએફના જવાનોને શ્રીનગરથી પુલવામાં લઈ જવામાં આવી રહ્યા હતા. આ કાફલામાં સીઆરપીએફની આશરે 78 ગાડીઓ હતી. આ કાફલામાં સીઆરપીએફની 54મી, 179મી અને 34મી બટાલિયન એક સાથે જઈ રહી હતી. 54મી બટાલિયન પર હુમલો આતંકીઓએ 3 વાગ્યાને 37 મિનિટ પર પુલવામાના અવંતીપુરમાં લાતૂ મોડ પર કર્યો હતો.