તાતા ટ્રસ્ટે શનિવારે એક પહેલ કરીને 500 કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી. ત્યાર બાદ મોદીની અપીલને માન આપીને તાતા સન્સે વધુ 1000 કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી.
તાતા ટ્રસ્ટના ચેરમેન રતન ટાટાએ ટ્વિટ કરી કે, કોરોનાવાયરસ વર્તમાન સમયનો સૌથી મોટો પડકાર છે. તાતા જૂથ અને સમૂહની કંપનીઓ અગાઉ પણ મુશ્કેલીના સમયમાં મદદ માટે આગળ આવી હતી અને હાલમાં દેશને મદદ કરવાનો સમય છે ત્યારે તાતા જૂથ પાછું નહીં પડે. તેમણે કહ્યું કે, વિશ્વમાં અને દેશમાં તાત્કાલિક પગલાં ભરવાની જરૂર છે.
તાતા જૂથ દ્વારા જાહેર કરાયેલી સહાયની રકમનો ઉપયોગ કોરોનાની સારવાર અને સંક્રમણને રોકવા માટે કાર્ય કરી રહેલા મેડિકલ સ્ટાફની અંગત સુરક્ષા માટેના ઉપાયો માટે કરાશે. આ ઉપરાંત કોરોનાથી પીડિત દર્દીઓ માટે વેન્ટિલેટર ઉપલબ્ધ કરાવવા માટે, ટેસ્ટિંગ કીટ ઉપલબ્ધ કરાવવા માટે, ઇન્ફેક્ટેડ દર્દીઓ માટે વધુ યોગ્ય સુવિધા ઉપલબ્ધ કરાવવા અને સામાન્ય પ્રજાને જાગૃત કરવા માટે પણ આ રકમનો ઉપયોગ કરવામાં આવશે.