Ratan Tata And His Dog: દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ અને ટાટા જૂથના માનદ અધ્યક્ષ રતન ટાટાનું ગઈકાલે એટલે કે 9મી ઓક્ટોબરની મોડી રાત્રે નિધન થયું હતું. 86 વર્ષના રતન ટાટાને ખરાબ તબિયતના કારણે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં મોડી રાત્રે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. રતન ટાટા વર્ષ 1990માં ટાટા ગ્રુપના ચેરમેન બન્યા હતા. આ પછી તેઓ 22 વર્ષ એટલે કે 2012 સુધી આ પદ પર રહ્યા હતા.






તેમના કાર્યકાળ દરમિયાન ટાટા ગ્રુપે નવી ઊંચાઈઓને સ્પર્શી હતી. રતન ટાટા માત્ર એક સફળ ઉદ્યોગપતિ ન હતા. પરંતુ તેમનું વ્યક્તિત્વ પણ ઉત્તમ હતું. આ સાથે જોડાયેલી એક ઘટના છે જ્યાં રતન ટાટા તેમનો પાળતું શ્વાન બીમાર પડતા ઈંગ્લેન્ડના પ્રિન્સ ચાર્લ્સ દ્વારા આપવામાં આવનારો એવોર્ડ લેવા ગયા નહોતા. ભારતીય ઉદ્યોગપતિ, કટાર લેખક અને અભિનેતા સુહેલે એક વીડિયોમાં આ વાર્તા વિશે વાત કરી છે.


પ્રિન્સ ચાર્લ્સ આપવાના હતા લાઈફટાઈમ અચીવમેન્ટ


રતન ટાટા માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. ઉદ્યોગમાં તેમના યોગદાન માટે તેમને વિશ્વભરમાંથી ઘણા એવોર્ડ મળ્યા છે. વર્ષ 2018માં બ્રિટનના તત્કાલિન પ્રિન્સ ચાર્લ્સ ત્રીજાએ તેમને લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ આપવા માટે બકિંગહામ પેલેસમાં આમંત્રણ આપ્યું હતું. આ માટે સમગ્ર કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. રતન ટાટાએ પ્રિન્સ ચાર્લ્સની વિનંતી સ્વીકારી અને લંડન આવવા સહમત થયા હતા. પરંતુ કંઈક એવું બન્યું જેના કારણે તેઓ એવોર્ડ લેવા માટે ગયા નહોતા.


બીમાર શ્વાનને કારણે એવોર્ડ લેવા ગયા નહોતા


ભારતીય ઉદ્યોગપતિ, કટારલેખક અને અભિનેતા સુહેલ સેઠે એક વિડિયોમાં આ ઘટના વિશે વાત કરતા કહ્યું કે તેમને પણ રતન ટાટાના લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ સમારોહ માટે લંડન જવાનું હતું. 6 ફેબ્રુઆરીના આ કાર્યક્રમ માટે તેએ 2 કે 3 ફેબ્રુઆરીએ જ લંડન પહોંચી ગયા હતા. જ્યારે તેમની ફ્લાઈટ લંડન એરપોર્ટ પર ઉતરી અને તેમણે પોતાનો મોબાઈલ ચાલુ કર્યો ત્યારે તેમણે જોયું કે તેમના ફોન પર રતન ટાટાના 11 મિસ્ડ કોલ હતા.


આગળ વાત કરતાં સુહેલ સેઠે કહ્યું હતું કે આટલા બધા મિસ્ડ કૉલ્સ જોઈને તેમને આશ્ચર્ય થયું, તેમણે તરત જ રતન ટાટાને ફોન કર્યો. ફોન પર રતન ટાટાએ સુહેલને કહ્યું કે તેઓ એવોર્ડ લેવા આવી શક્યા નથી કારણ કે તેમનો એક ડૉગ ટેંગો અને ટીટો બેમાંથી એક ખૂબ બીમાર થઇ ગયો છે. આ પછી સુહેલે ટાટાને કહ્યું કે પ્રિન્સ ચાર્લ્સે તમારા માટે આ લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ ઈવેન્ટનું આયોજન કર્યું છે. પરંતુ તેમ છતાં રતન ટાટા આવ્યા ન હતા.


પ્રિન્સ ચાર્લ્સ બની ગયા ફેન


જ્યારે પ્રિન્સ ચાર્લ્સને આ વાતની જાણ થઈ. તો તેઓ રતન ટાટાથી ખૂબ પ્રભાવિત હતા. સુહેલ સેઠે જણાવ્યું કે પ્રિન્સ ચાર્લ્સે રતન ટાટાના વખાણ કર્યા અને કહ્યું કે વ્યક્તિ આવો હોવો જોઈએ. રતન ટાટા એક અદભૂત વ્યક્તિ છે, રતન ટાટાની આ આદતને કારણે ટાટા ગ્રુપ આજે આ ઉંચાઇ પર છે.