નવી દિલ્હી: કાયદામંત્રી રવિશંકર પ્રસાદે કૉંગ્રેસ પર આરોપ લગાવતા કહ્યું કે, પાર્ટીના રાજીવ ગાંધી ફાઉન્ડેશનમાં ચીનથી ફંડ આપવામાં હતું. પત્રકાર પરિષદમાં ગુરુવારે રવિશંકર પ્રસાદે કેટલાક દસ્તાવેજો બતાવીને દાવો કર્યો કે, વર્ષ 2005 અને 2006માં રાજીવ ગાંધી ફાઉન્ડેશનને ચીનથી ફંડિંગના પૈસા મળ્યા હતા. તેમણે સવાલ ઉઠાવ્યો કે, સરકારની મંજૂરી વગર જ્યારે આ પ્રકારની ફંડિન્ગને મંજૂરી નથી મળી શકતી તો પાર્ટીએ કઈ રીતે ચીન પાસેથી પૈસા લીધા.

રવિશંકર પ્રસાદે આરોપ લગાવ્યો છે કે, કૉંગ્રેસની સરકારના કાર્યકાળમાં ચીને ભારતની જમીન પર કબ્જો કર્યો. આ મુદ્દે કૉંગ્રેસે કહ્યું કે, ભાજપ સીમા વિવાદ પર જવાબ નથી આપી રહી પરંતુ આ પ્રકારના આરોપ લગાવીને મુદ્દાથી ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કરી રહી છે. ભાજપ માત્ર ખોટું બોલે છે.

કૉંગ્રેસ પર સવાલ ઉઠાવતા જેપી નડ્ડાએ કહ્યું કે, “મોદીજીના નેતૃત્વમાં દેશને આગળ લઈ જવા માટેનો પૂરો રોડમેપ તૈયાર છે. ગલવાન ઘાટીમાં બનેલી ઘટના પર પણ કૉંગ્રેસે રાજનીતિ કરી, આ એજ કૉંગ્રેસ છે જ્યારે ઓગસ્ટ, 2017માં ચીન અને ભારતનું સ્ટેન્ડ ઓફ થઈ રહ્યું હતું, તે સમયે રાહુલ ગાંધી ચીનના રાજદૂત સાથે ગુપચૂપ મુલાકાત કરી રહ્યાં હતા.”

તેમણે કહ્યું કે, આજે જ મે ટેલીવિઝન પર જોયું અને આશ્ચર્યમાં છું કે, રાજીવ ગાંધી ફાઉન્ડેશનને પીપીલ રિપબ્લિક ઓફ ચાઈના અને ચાઈનીઝ એમ્બેસીએ મોટી રકમ આપી હતી. આ છે ચાઈના અને કૉંગ્રેસનો ગુપચૂપ સંબંધ. તેમણે કહ્યું કે, દેશની જનતા જાણવા માંગે છે કે રાજીવ ગાંધી ફાઉન્ડેશનને પૈસા શા માટે આપવામાં આવ્યા અને તેમણે દેશમાં શું સ્ટડી કરી હતી.