નવી દિલ્હી: કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે અર્થવ્યવસ્થામાં મંદી પર આપેલા પોતાના નિવેદનને પરત લીધું છે. શનિવારે રવિશંકર પ્રસાદે નિવેદન આપ્યું હતું કે કે 2 ઓક્ટોબરે રિલીઝ થયેલી 3 ફિલ્મોએ 120 કરોડ રૂપિયાની કમાણી કરી છે. અર્થવયવસ્થા મજબૂત છે ત્યારે જ ફિલ્મોએ આટલી કમાણી કરી છે.


કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યુ, પત્રકાર પરિષદનો વીડિયો સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ છે. તેમ છતાંય મને દુ:ખ છે કે મારા નિવેદનનો એક હિસ્સો તોડી-મરોડીને રજૂ કરવામાં આવ્યો છે. હું એક સંવેદનશીલ વ્યક્તિ છું. તેથી હું મારું નિવેદન પરત લઉં છું.

રવિશંકર પ્રસાદે શનિવારે પત્રકાર પરિષદમાં બેરોજગારી અને અર્થવ્યવસ્થામાં સુસ્તીને પૂરી રીતે ફગાવી દીધી હતી. તેઓએ અર્થવ્યવસ્થામાં સુસ્તીથી ઇન્કાર કરતાં કહ્યુ કે, મારો ફિલ્મો સાથે લગાવ છે. ફિલ્મો મોટો કારોબાર કરી રહી છે. 2 ઓક્ટોબરે 3 ફિલ્મો રિલીઝ થઈ છે. ફિલ્મ ઉદ્યોગના વિશેષજ્ઞે કહ્યુ છે કે નેશનલ હોલીડેના દિવસે ફિલ્મોએ 120 કરોડ રૂપિયાની કમાણી કરી છે. હવે જ્યારે દેશમાં ઇકોનોમી થોડી સાઉન્ડ છે ત્યારે જ તો 120 કરોડ રૂપિયાનું રિટર્ન એક દિવસમાં આવી રહ્યું છે.