કોલકાતાઃ પશ્ચિમ બંગાળના પ્રવાસે ગયેલા ગૃહમંત્રી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહે એનઆરસીને લઈ ટીએમસી સહિત વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા. કોલકાતામાં એનસીઆર સેમિનારમાં સંબોદન કરતાં શાહે કહ્યું, કોઈ હિન્દુ શરણાર્થીને દેશમાંથી જવા નહીં દઈએ અને કોઈ ઘૂસણખોરને દેશમાં રહેવા નહીં દઈએ. તેમણે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર લોકોને એનઆરસીના નામે ગુમરાહ કરતા હોવાનો આરોપ પણ લગાવ્યો.


એનઆરસીને લઈ સીએમ મમતા બેનર્જી પર પ્રહાર કરતા ગૃહમંત્રીએ કહ્યું, આ મુદ્દે લોકોને ગુમરાહ કરવામાં આવી રહ્યા છે. મમતા બેનર્જી કહે છે કે એનઆરસી લાગુ થશે તો લાખો હિન્દુ શરણાર્થીઓને હાંકી કાઢવામાં આવશે પરંતુ આનાથી મોટું જૂઠ્ઠુ કોઈ નથી. કોઈપણ હિન્દુ, શીખ, જૈન, ખ્રિસ્તી શરણાર્થીઓને બહાર નહીં જવા દેવામાં આવશે. એનઆરસી પહેલા અમે સીએબીને લઈને આવીશું. જે બાદ આ શરણાર્થીઓને કાયમી નાગરિકતા આપવામાં આવશે.  એક પણ ઘૂસણખોરને રહેવા નહીં દેવામાં આવે, વીણી-વીણીને બહાર કાઢવામાં આવશે.


ટીએમસી સહિત ડાબેરીઓ અને કોંગ્રેસને નિશાન બનાવતાં શાહે કહ્યું, તમામને મોકો મળ્યો, એક મોકો ભાજપને આપો. અમેં બંગાળને સોનાનું બનાવી દઈશું. લોકસભામાં ભાજપને 18 સીટો આઆપી, વધારે સીટો મમતા દીદીને આપી પરંતુ 18 સીટની અસર છે કે હવે મૂર્તિ વિસર્જન માટે કોર્ટ નહીં જવું પડે. સરસ્વતી પૂજા રોકવાની કે રામનવમી પર પ્રતિબંધ લગાવવાની કોઈ હિંમત નહીં કરે. બીજેપીની સરકાર બનશે તો તમારા તહેવારો ખુલીને મનાવી શકશો.


કલમ 370 રદ કરવાને લઈ તેમણે કહ્યું, પ્રધાનમંત્રી મોદીએ શ્યામા પ્રસાદ મુખર્જીનું સપનું પૂરું કર્યું. શ્યામા પ્રસાદ મુખર્ડીએ બે પ્રધાન, બે નિશાન ન હોવા જોઈએ તેવો નારો આપ્યો હતો. શ્યામા પ્રસાદની ધરપકડ કરવામાં આવી હતી, જ્યાં જેલમાં તેમનું શંકાસ્પદ મોત થયું હતું.  મોદીજીએ કલમ 370 ખતમ કરીને શ્યામા પ્રસાદ મુખર્જીને સાચી શ્રદ્ધાંજલિ આપી છે. આ સાથે જ તેમણે ‘જહાં હુઆ બલિદાન મુખર્જી, વો કશ્મીર હમારા હૈ’ના નારા પણ લગાવ્યા હતા.