કોરોના વાયરસના કહેરની વચ્ચે લોકો રસી લેવા માટે ઉત્સુક છે પણ રસી માટે રસિસ્ટ્રેશન કરાવવામાં લોકોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે હવે જે લોકો પાસે સ્માર્ટફોન નથી તેવા લોકો માટે ભારતીય ટપાલ વિભાગ આગળ આવ્યં છે. લોકો હવે પોસ્ટ ઓફિસમાં પણ કોરોના રસી માટે રજીસ્ટ્રેશન કરાવી શકે છે. જેમની પાસે સ્માર્ટફોન નથી તેવા લોકો નજીકની પોસ્ટ ઓફિસમાં જઈને રજિસ્ટ્રેશન કરાવી શકે છે. હાલમાં જ આ સુવિધા તેલંગાણાના ગ્રામીણ વિસ્તારોમાં શરૂ કરવામાં આવી છે.
ઘણાં લોકો પાસે હજુ પણ સ્માર્ટફોન નથી ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં. ત્યારે હવે આવા લોકોને ધ્યાનમાં રાખીને મદદ માટે ભારતીય ટપાલ વિભાગ આગળ આવ્યું છે. પોસ્ટ ઓફિસમાં રસી માટે મફત નોંધણી કરાવી શકાશે. આ રસી રાજ્ય સરકાર આપશે.
ક્યા ડોક્યુમેન્ટની જરૂરત પડશે
જે લોકો પોસ્ટ ઓફિસમાં જઈને કોરોના રસી માટે નોંધણી કરાવવા માગતા હોય તેમણે કેટલાક જરૂરી ડોક્યુમેન્ટ લઈ જવા પડશે. સાથે જ ફોટો ઓળખ કાર્ડ પણ લઈ જવું પડશે. સ્માર્ટફોન ન હોય તો પણ સાદો ફોન લઈને જવો પડશે કારણે ઓટીપી મોબાઈલ ફોનમાં જ આવશે જેના દ્વારા રજિસ્ટ્રેશન થઈ શકે છે. પોસ્ટ ઓફિસ સ્ટાફ મોબાઇલ એપ્લિકેશન દ્વારા BO-Co-Win CSC પ્રોગ્રામ ચલાવશે અને રસી માટે નોંધણી કરશે. આ માટે પોસ્ટ ઓફિસમાંથી કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં. સામાન્ય લોકો સુવિધાનો લાભ મફતમાં આ લઈ શકશે.
સમગ્ર દેશમાં કોરોના રસીનું રજિસ્ટ્રેશન ચાલી રહ્યું છે. તેના માટે 18 વર્ષથી વધારે ઉંમરના લોકોએ રસી માટે રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. 45 વર્ષથી વધારે ઉંમરના લોકો માટે આ નિયમ નથી. તે વેક્સિનેશન સેન્ટર પર જઈને રસી લઈ શકે છે. જોકે તે પણ ઇચ્છે તો પોતાનો સ્લોટ બુક કરાવી શકે છે જેથી સેન્ટર પરની ભીડથી બચી શકે છે. સાથે જ સમય પર સેન્ટર પર જાય અને પોતાનો વારો આવે ત્યારે રસી લે. શહેરી વિસ્તારમાં લોકો સરળતાથી સ્લોટ બુક કરાવી રહ્યા છે, પરંતુ ગ્રામીણ વિસ્તારમાં મુશ્કેલી જોવા મળી રહી છે. ખાસ કરીને ત્યાં જ્યાં મોબાઈલ નેટવર્કની સમસ્યા છે. આવા લોકો પણ રજિસ્ટ્રેશન કરાવી શકે તેના માટે પોસ્ટ ઓફિસે તેલંગાણાં પહેલ કરી છે.